કોલકાતામાં કરુણ દુર્ઘટના; પાંચ મોત

image-278

copy image

 પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારની બપોરે કરુણ દુર્ઘટના ઘટી હતી. તારાતલા ટ્રાન્સપોર્ટ ડીપો રોડ પર નિર્માણાધીન ગોદામની છત અચાનક ધસી પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ બપોરે દોઢ વાગ્યે આ દુર્ઘટના સર્જાઇ હતી, ધસી પડેલી છતની નીચે 50થી 55 લોકો દબાયા હોવાની આશંકા સાથે બચાવ, રાહત અભિયાન છેડાયું હતું. ચોમેર ચીસાચીસ સાથે ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. ઘટનાની ગંભીરતા ધ્યાને લેતાં કોલકાતા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત એનડીઆરએફ આફત વ્યવસ્થાપન તંત્ર, નાગરિક સંરક્ષણ, અગ્નિનશામકના જવાનો ધસી ગયા હતા. ભીષણ દુર્ઘટના બાદ આખી બંગાળ સરકાર એલર્ટ મોડ પર આવી ગઇ હતી. સચિવાલયમાં એક વિશેષ કંટ્રોલરૂમ ઊભો કરી, હેલ્પલાઇન નંબર જારી કરાયા હતા. જમીનદોસ્ત થયેલી છતના કાટમાળ, લોખંડને હટાવવા માટે ક્રેનની મદદ લેવાઇ હતી. દબાઇ ગયેલા મજૂરોની ચીસોના અવાજ સાંભળી, એ દિશામાં ઘૂસીને 13 શ્રમિકોને બહાર લવાયા હતા. બચાવ અભિયાનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં અંકિતસિંહ નામના યુવાને કાટમાળમાં ફસાયેલા મજૂરનો હાથ પકડીને બહાર લાવવામાં મદદ કરી હતી. કાટમાળ નીચે કણસતો મજૂર કહી રહ્યો હતો કે, એવું હોય તો મારો એક પગ કાપી નાખો, પણ મારો જીવ બચાવી લ્યો, મને બહાર કાઢો.