રાપરના રામવાવ ગામે મંદિર નજીક વાછરડાનું કપાયેલું ડોકું મળ્યું, પોલીસ તપાસ શરૂ

રાપર તાલુકાના રામવાવ ગામે મંદિર નજીકથી વાછરડાનું કપાયેલું ડોકું મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ ગામના લોકોએ મંદિર નજીક વાછરડાનું ડોકું પડેલું જોયું હતું. આસપાસના વિસ્તારમાં તપાસ કરતા વાડી વિસ્તારમાંથી વાછરડાના ત્રણ પગ પણ મળી આવ્યા હતા. કૂતરાં અંગો ખેંચીને લાવ્યા હોવાની શક્યતા પણ પોલીસ તપાસી રહી છે.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને બોલાવી છે. વાછરડાના અંગોને વેટરનરી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. મંદિર નજીક આવી ઘટના બનતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. વાછરડાના બાકીના અંગોની પણ શોધખોળ ચાલુ છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.