કચ્છના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને વેગ આપવા ભુજ-ગાંધીધામમાં રોડશો યોજાયો

કચ્છના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવા અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ફેડરેશન ઓફ
કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકિઆ) અને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા
RAMP (Raising and Accelerating MSME Performance) પ્રોજેક્ટ અંતર્ગત “સ્કેલિંગ અપ ઇન્ડસ્ટ્રી 4.0 ટ્રાન્સફોર્મેશન ઇન ગુજરાત
મેન્યુફેક્ચરિંગ સેક્ટર” વિષયક રોડશોનું ભુજ અને ગાંધીધામમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ડેપ્યુટી ડિરેક્ટર ચંદન ચૌધરીએ ટેક્નિકલ સત્રમાં ઇન્ડસ્ટ્રી 4.0ના વિકાસ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી
અને સરકારની વિવિધ પહેલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારત સરકારની Shop-Floor Insight and Monitoring (SIM)
યોજના અંતર્ગત ઉપલબ્ધ SIM કીટની વિશેષતાઓ, તેના લાભો તેમજ અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાઉન્સિલના RAMP પ્રોજેક્ટ મેનેજર સાગર પંચાલે SIM કીટનું પ્રાયોગિક નિદર્શન રજૂ કરી રિયલ-ટાઇમ મશીન મોનિટરિંગ, Overall
Equipment Effectiveness (OEE), ઊર્જા વપરાશનું વિશ્લેષણ, મશીન ડાઉનટાઇમનું નિરીક્ષણ તેમજ ડેટા આધારિત નિર્ણયોથી ઉત્પાદન
ક્ષમતા વધારવાના ઉપાયો સમજાવ્યા હતા. વિવિધ ઉદ્યોગોના સફળ કેસ સ્ટડી પણ રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ઉદ્યોગકારોએ SIM યોજના અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબમાં નિષ્ણાતોએ જણાવ્યું કે દરેક પાત્ર
સંસ્થાને સરકારની યોજના હેઠળ એક SIM કીટ આપવામાં આવશે અને આ ટેક્નોલોજી વિવિધ પ્રકારના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં સરળતાથી
અમલમાં મૂકી શકાય છે.
ફોકિઆ તરફથી ધરતી શેઠિયા (Ardour Arts, ભુજ) અને બજરંગ અગ્રવાલ (AVP, અંબિકા સ્ટીલ્સ ઇન્ડિયા લી., ગાંધીધામ)એ ઉપસ્થિત
મહેમાનોનું સ્વાગત કરી ફોકિયા દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમણે મેન્યુફેક્ચરિંગ
ક્ષેત્રમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ક્રિશ કન્સલ્ટન્સીની સ્થાપક વૈશાલી પારેખના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે ઔદ્યોગિક ક્રાંતિના વિકાસક્રમની માહિતી
આપી અને Internet of Things (IoT), Artificial Intelligence (AI), Cloud Computing તેમજ ડેટા એનાલીસીસ જેવી અદ્યતન
ટેક્નોલોજી ભારતના ઉત્પાદન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે તે સમજાવ્યું.
અંતે વૈશાલી શાહે આભારવિધિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રી 4.0 હવે વૈકલ્પિક નહીં પરંતુ ટકાઉ વિકાસ, કાર્યક્ષમતામાં વધારો
અને સ્પર્ધાત્મકતા જાળવવા માટે અનિવાર્ય બની ગયું છે. કાર્યક્રમના અંતે ભુજ અને ગાંધીધામમાં નેટવર્કિંગ સત્ર યોજાયા હતા, જેમાં પૂર્વ અને
પશ્ચિમ કચ્છના ઉદ્યોગકારોએ પરસ્પર વિચારોની આપલે કરી અને ઇન્ડસ્ટ્રી 4.0ના વ્યવહારુ અમલીકરણ અંગે ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં કચ્છના આશરે ૫૦ ઉદ્યોગોના આશરે ૮૦ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લઈ ઇન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજી અને સરકારની વિવિધ
યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ફોકિઆના સીનિયર એક્ઝિક્યુટિવ શ્રીમતી શિવાની ભગત દ્વારા કરવામાં
આવ્યું હતું.