ખોટી ફરિયાદનો ખંજર કલમ પર નહીં ચાલે, નિષ્પક્ષ તપાસ વિના પત્રકારને અડશો નહીં

કચ્છ ગાંધીધામમાં પત્રકાર પરિષદે એસપી સમક્ષ લાલ આંખ કરી. ખોટી ફરિયાદોના નામે કલમને દબાવવાનું કાવતરું હવે નહીં ચાલે. ગુજરાત પત્રકાર એકતા પરિષદે પૂર્વ કચ્છ એસપીને આવેદનપત્ર આપી સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિષ્પક્ષ તપાસ વિના એક પણ પત્રકાર સામે ગુનો નોંધવો નહીં.

લોકશાહીના ચોથા સ્તંભ પર વધી રહેલા દબાણ અને ખોટી ફરિયાદોથી પત્રકારોને હેરાન કરવાના બનાવો વધ્યા છે. સ્વાર્થી તત્વો, ભ્રષ્ટ અધિકારીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પત્રકારોને ડરાવવા માટે ખોટી ફરિયાદોનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. સત્ય ઉજાગર કરનાર કલમને બંધ કરાવવા માટે પાયાવિહોણા કેસો કરવામાં આવે છે.

પરિષદના જિલ્લા અધ્યક્ષ સમીરભાઈ જે મંકેરીએ જણાવ્યું કે આજના સમયમાં નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારો ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને સામાજિક સમસ્યાઓ ઉજાગર કરે છે. આવી નિષ્પક્ષ પત્રકારિતા કેટલાક લોકોને ખૂંચે છે. પરિણામે તેમને ડરાવવા કે તેમની કલમ બંધ કરાવવા ખોટી ફરિયાદો નોંધાવાય છે.

પત્રકાર પરિષદની સ્પષ્ટ માંગ છે કે પત્રકાર વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ મળે તો ઉતાવળમાં ગુનો નોંધવો નહીં. પહેલા ફરિયાદમાં રજૂ કરાયેલા તથ્યોની પ્રાથમિક અને નિષ્પક્ષ તપાસ થાય. જો ફરિયાદ સત્ય અને પુરાવા આધારિત હોય તો જ કાયદેસરની કાર્યવાહી થાય. ખોટી, પ્રેરિત કે દ્વેષભાવથી કરાયેલી ફરિયાદોના આધારે પત્રકારની ધરપકડ કે હેરાનગતિ ન થવી જોઈએ.

પરિષદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પોલીસ અધિક્ષક આ રજૂઆતને ગંભીરતાથી લઈને નિષ્પક્ષ તપાસની પ્રક્રિયા સુનિશ્ચિત કરશે. પત્રકારત્વ એ લોકશાહીનો આધારસ્તંભ છે અને પત્રકારો સત્ય સામે લાવવાની જોખમી ફરજ બજાવે છે. નિર્દોષ પત્રકારો ખોટી ફરિયાદોનો ભોગ ન બને એ માટે પોલીસે સ્પષ્ટ માર્ગદર્શિકા હેઠળ કામ કરવું જરૂરી છે.

જો કલમ ડરશે તો સત્ય મરશે. અને જો સત્ય મરશે તો લોકશાહી જીવતી નહીં રહે.