ગરીબ પર નોટિસ, માફિયા પર મહેરબાની! ભચાઉના દબાણોમાં તંત્રનું બેવડું વલણ ખુલ્લું પડ્યું!!
ભચાઉ તાલુકામાં દબાણ હટાવવાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. શિકારપુર નેશનલ હાઇવે પર ગરીબ લોકોની પચાસેક વર્ષ જૂની કેબિનોને નોટિસો ફટકારાઈ રહી છે, જ્યારે મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની આંખ આડા કાન છે.
તાલુકા પંચાયતના સભ્ય મનજીભાઈ રાઠોડે મામલતદારને લેખિત રજૂઆત કરી છે. શિકારપુર સર્વે નંબર 780 માં ગામની ટાવર્સ પૈકીની જમીન પર વર્ષોથી ઈમાનદારીથી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોને દબાણ હટાવવાની નોટિસો અપાઈ છે. બીજી તરફ સુરજબારી ટોલ નાકાથી સામખિયાળી સુધીના નેશનલ હાઇવે પર મોટા ધનપતિઓએ હોટેલો અને બાંધકામો ખડકી દીધા છે.
આરોપ છે કે નકશા ઉપર ફેરબદલી કરીને સરકારી, ગૌચર અને ખરાબાની જમીન પર ખોટા રેકોર્ડ ઉભા કરીને ગંભીર દબાણો કરવામાં આવ્યા છે. આ ધનપતિઓ દ્વારા નર્મદાની લાઈનમાંથી પીવાના પાણીની ચોરી થતી હોવાના આક્ષેપો પણ વારંવાર થાય છે.
માત્ર શિકારપુર નહીં, લાકડીયા, સામખિયાળી, આધોઈ, વોંધ, નાની ચિરઈ જેવા ગામોમાં પણ દબાણોનો રાફડો ફાટ્યો છે. લોકોની માંગ છે કે કેટલાક સરપંચો, માજી સરપંચો, હાલના અને માજી જિલ્લા તાલુકા સભ્યોના દબાણો પણ તાત્કાલિક હટાવવામાં આવે. આવા નેતાઓ દ્વારા મીઠું, માટી, રેતી, જિપ્સમ, ચાઈના ક્લે નું બેફામ ખનન અને જાહેર માર્ગો પર પરિવહન થાય છે, એ બાબતે પણ અધિકારીઓ તપાસ કરે.
ગરીબને હેરાન કરો અને માફિયાને ખુલ્લી છૂટ આપો, આ કેવો ન્યાય છે. જો સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મામલતદાર કચેરી ખાતે ધરણાં અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.
તંત્ર એકસરખો ન્યાય કરે એ જ લોકોની અપેક્ષા છે. દબાણ ગરીબનું હોય કે ધનપતિનું, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ.