સેશલ્સમાં મોદીનું કચ્છી નૃત્ય સાથે સ્વાગત

આજે જ્યાં દર આઠમી વ્યક્તિ ભારતીય છે, તેવા ટાપુદેશ સેશલ્સના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કચ્છના કલાકારોએ પરંપરાગત કચ્છી નૃત્ય સાથે સ્વાગત કર્યું હતું. કચ્છ પ્રત્યે પ્રીતિ હોવાનું વખતોવખત કહેતા રહેતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કચ્છી કલાકારોનાં નૃત્ય દ્વારા સ્વાગતથી ખરેખર કચ્છ યાદ આવી ગયું પ્રવાસી ભારતીય સમુદાયે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને જે રીતે સાચવ્યું છે, તે ખરેખર આનંદપ્રદ છે, તેવું મોદીએ ટ્વિટ કર્યું હતું. મોદી `ગેસ્ટ ઓફ ઓનર’ રૂપે સેશલ્સના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં સામેલ થનાર ભારતના પહેલા વડાપ્રધાન બનશે. ભારત અને સેશલ્સના રાજદ્વારી સંબંધોને 50 વર્ષ પૂરાં થયા પ્રસંગે પહોંચેલા વડાપ્રધાન મોદીએ શાનદાર સ્વાગતથી મુગ્ધ થતાં કહ્યું હતું કે, ભારતીય સમુદાય લાંબા સમયથી બન્ને દેશ વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતીય સમુદાયે પણ મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક સાથે નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાતે પણ ગયા હતા. આ ગાર્ડનમાં સૌથી લાંબા સમય સુધી જીવિત રહેનાર એટલે કે, 194 વર્ષના અલ્ડાબ્રા જાયન્ટ કાચબાને મોદીએ વનસ્પતિનાં પાન ખવડાવ્યાં હતાં, જેનું નામ `જોનાથન’ છે. સાથોસાથ રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની સાથે મોદીએ બોટનિકલ ગાર્ડનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.