કચ્છને મળશે વિકાસની નવી પાંખ, વાયોરથી લખપત વાયા કોટેશ્વર નવી બ્રોડગેજ રેલ લાઈનને મંજૂરી

copy image

copy image

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાયોરથી લખપત વાયા કોટેશ્વર નવી બ્રોડગેજ રેલ લાઈનના પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે. આ રેલ લાઈન માટે 66 કિ.મી. જમીન સંપાદન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

આ નવી રેલ લાઈનમાં લખપત તાલુકાના 217 સર્વે નંબરોની જમીન સંપાદનમાં આવરી લેવામાં આવી છે. કચ્છના છેવાડાના અને વ્યૂહાત્મક રીતે મહત્વના આ વિસ્તારને રેલવે નેટવર્ક સાથે જોડવાથી વિકાસને નવી ગતિ મળશે. કોટેશ્વર જેવા યાત્રાધામ અને લખપત જેવા સરહદી વિસ્તાર સુધી સીધી ટ્રેન સેવા શરૂ થતા પ્રવાસનને પણ મોટો વેગ મળશે. સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો ઉભી થશે.

લાંબા સમયથી આ વિસ્તારના લોકો રેલ સેવાની માંગ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટ પૂરો થતા ભુજથી સીધા કોટેશ્વર અને લખપત સુધી ટ્રેન દોડતી થશે. માલવાહતુક માટે પણ આ લાઈન મહત્વની સાબિત થશે. જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થતા જ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારના વિકાસ માટે આ પ્રોજેક્ટ એક માઈલસ્ટોન સાબિત થશે.