નખત્રાણાના ગોધિયાર મોટી ગામે અતિ દુર્લભ હરણોત્રો નજરે ચઢ્યું, પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીની લહેર

કચ્છના નખત્રાણા તાલુકાના ગોધિયાર મોટી ગામ નજીક ગઈકાલે રાત્રે એક અતિ દુર્લભ અને લુપ્ત થવાના આરે પહોંચેલું જંગલી પ્રાણી હરણોત્રો એટલે કે કેરાકલ જોવા મળ્યું છે. સ્થાનિક રહીશ સોઢા હીરજીભાઈ પોતાની વાડીએ જતા હતા ત્યારે તેમણે આ પ્રાણીને જોયું અને મોબાઈલમાં તેના ફોટોગ્રાફ્સ કેદ કરી લીધા. જેની પુષ્ટિ પ્રકૃતિપ્રેમી સોઢા વિક્રમસિંહે કરી છે.
ભારતમાં હરણોત્રોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોવાથી તે ભાગ્યે જ જોવા મળે છે. તેની પાછળના લાંબા કાળા કાન અને ચપળ શરીર તેની ખાસ ઓળખ છે. કચ્છના કાંટાળા જંગલો અને ઘાસભૂમિ તેના માટે આદર્શ આશ્રયસ્થાન છે. વન વિભાગના જણાવ્યા મુજબ હરણોત્રો મુખ્યત્વે નિશાચર પ્રાણી છે અને રાતના સમયે જ શિકાર માટે બહાર નીકળે છે.
આ ઘટના કચ્છના સમૃદ્ધ વન્યજીવન અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કચ્છનું રણ અને ઘાસના મેદાનો અનેક દુર્લભ પ્રજાતિઓનું ઘર છે. હરણોત્રો દેખાવાથી સાબિત થાય છે કે કચ્છની ધરતી હજુ પણ વન્યજીવો માટે સુરક્ષિત છે. પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવ પ્રેમીઓમાં આ સમાચારથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે આવા દુર્લભ પ્રાણી દેખાય તો તેને ખલેલ ન પહોંચાડવી અને તાત્કાલિક જાણ કરવી.