સંકલન અને ડેટા-આધારિત મોનિટરિંગ થકી છેવાડાના વિસ્તારોના વિકાસને વેગ આપવા પર ભાર

કેન્દ્રીય પ્રભારી અધિકારી અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિયામકશ્રી શેખ અમીનખાન (IRS-C&IT) દ્વારા ૨૮ જૂન ૨૦૨૬ના રોજ એસ્પિરેશનલ બ્લોક રાપરની સર્વગ્રાહી ક્ષેત્ર મુલાકાત અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક અને મુલાકાતનો મુખ્ય હેતુ એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમ હેઠળ છેવાડાના વિસ્તારોના વિકાસને વેગ આપવાનો હતો. તા. ૨૭ જૂનના રોજ પ્રભારી અધિકારીશ્રીએ લખપત તાલુકાની સર્વગ્રાહી સમીક્ષા માટે અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને સ્થળ વિઝિટ કરી હતી.
મુલાકાત દરમિયાન શ્રી અમીનખાને તાલુકા પંચાયત પરિસર ખાતે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા ખેતીવાડી અધિકારી, તાલુકા પશુપાલન અધિકારી અને અન્ય સંબંધિત વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં પ્રભારી અધિકારીએ મુખ્ય સામાજિક-આર્થિક સૂચકાંકો બાબતે ચર્ચા કરીને આરોગ્ય ક્ષેત્રે ૧૦૦% એએનસી (ANC) નોંધણી સુનિશ્ચિત કરવા, સંસ્થાકીય પ્રસૂતિનું પ્રમાણ વધારવા તેમજ શાળાઓમાં ડ્રોપ-આઉટ રેટ શૂન્ય કરવા અને ખાસ કરીને કન્યાઓ શિક્ષણ અધવચ્ચેથી ન છોડે તે માટે સ્થાનિક સ્તરે સચોટ ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવા જણાવ્યું હતું.
વહીવટી કામગીરીની સાથેસાથે ગ્રાઉન્ડ લેવલ પર ગુણાત્મક પરિણામો લાવવા પર ભાર મૂકીને પ્રભારી અધિકારીશ્રી અમીનખાને તમામ સ્થાનિક અધિકારીઓને પરસ્પર સંકલન અને ડેટા-આધારિત મોનિટરિંગ કરીને રાપર તેમજ લખપતને એક આદર્શ બ્લોક બનાવવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ બેઠક અને મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર રાવલ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, આંગણવાડી, શિક્ષણ સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.