ભુજના ટાઉનહોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા કચેરી તથા બાળ સુરક્ષા એકમ ભુજના સંયુકત ઉપક્રમે બાળલગ્નના દુષણને ડામવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અન્વયે જનજાગૃતિ કેળવવાના ભાગરૂપે યોજાયેલ એક દિવસીય સેમિનારનું રાજયમંત્રીશ્રીએ હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો.સેમિનારને સંબોધતાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પર્યટન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે સેમિનારને સંબોધતાં જણાવ્યું હતું કે, બાળલગ્નો થતાં અટકાવવા માટે રાજય અને કેન્દ્ર સરકાર અનેકવિધ કાયદાઓ ઘડે છે, પરંતુ સમાજ દ્વારા કાયદા-પગલાંઓનાં સ્વયંભૂ પાલનથી જે પરિણામ મળી શકે છે, તે ગમે તેટલાં કડક કાયદા કરશું તો પણ મળી શકતી નથી, તેવી ટકોર કરતાં વિવિધ સમાજના આગેવાનોને સહિયારા પ્રયાસોની હાકલ કરી સહયોગી થવા ઉપર ભાર મૂકયો હતો.રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે ૨૧મી સદીમાં બાળલગ્નોના સામાજીક કલંકને નેસ્તનાબૂદ કરવા સામાજીક દાયિત્ય નિભાવવાની સાથો-સાથ સામાજીક રૂઢિઓ ત્યજીને બાળલગ્નોને અટકાવવા સામાજીક-ધાર્મિક સંગઠ્ઠનો, જ્ઞાતિ મંડળો સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો.રાજયમંત્રીશ્રીએ પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૧૮ વર્ષ સુધીના જે બાળકોના માતા-પતિ મૃત્યુ પામેલ હોય અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કર્યાં હોય તેવા અનાથ બાળકો માટે માસિક રૂ. ૩૦૦૦/-ની સહાય યોજના સહિતની સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઇ આહિર સહિતના મંચસ્થોના હસ્તે ગ્રામ વિકાસ એજન્સી, ભુજ દ્વારા આજે ૩જી ઓગષ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે પરમેશ્વર સખી મંડળ, રવેચી સખી મંડળ, ગોવિંદ સખી મંડળ અને હરભોલે સખી મંડળોને રૂપિયા એક-એક લાખના કેશ ક્રેડીટ ચેક તેમજ બેંક સખી નિમણુંકપત્રો, રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૧૨ હજારના ચેક તેમજ સખીમંડળોને સારી કામગીરી બદલ પ્રશસ્તીપત્રો અર્પણ કરાયાં હતા.અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યમનસિંહ જાડેજાએ બાળલગ્ન યોજાતા હોવાનાં કુરિવાજમાં મુખ્યત્વે સમાજનો વાંક હોવાનું જણાવી લગ્નની ઉંમર પહેલા દીકરા-દીકરીનાં લગ્ન કરી બાળકોનું ભવિષ્ય બગાડવું ન જોઇએ તેવી અપીલ કરી જ્ઞાતિ મંડળો અને સામાજીક સંગઠ્ઠનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.સ્વામી પ્રદિપ્તાનંદજીએ આશીર્વચન પાઠવતાં બાળલગ્નના સામાજીક દુષણને ડામવા ધર્મગુરૂઓ મહત્વનું કાર્ય કરી શકી તેમ હોવાનું જણાવી સમાજ બાળ લગ્નથી મુકત થાય તેવો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.જિલ્લા કાનૂની સેવા સમિતિના સચિવ શ્રી બી.એમ.પટેલે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમની વિગતે છણાવટ કરી કાયદો હંમેશા સમાજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પુખ્ત વિચારણાને અંતે ઘડાય છે, તેમ જણાવી બાળલગ્નો અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને બાળલગ્નોની કુપ્રથા દેશ અને સમાજ માટે કલંકરૂપ હોવાનું જણાવી પરિપકવતા બાદ જ દીકરા-દીકરીના લગ્ન કરાવવાના અભિયાનમાં સમાજીક સેવકો-સંસ્થાઓની ભૂમિકા અગત્યની હોવાનું બાળલગ્નો અટકાવવા અનુરોધ કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોષીએ બાળલગ્નો અટકાવવા માટે સમાજે જાગૃત બની આગેવાની લેવાની આવશ્યકતા જણાવી હતી.ભુજના ડીવાયએસપી બી.એમ.દેસાઇએ બાળલગ્નો અટકાવવા કાયદામાં ઘણી જોગવાઇઓ હોવાનું જણાવી બાળલગ્નો અટકાવવા વ્યકિતગત ધોરણે સૌને યોગદાન આપવા અપીલ કરી હતી.ચાઇલ્ડ વેલ્ફેર કમિટિના સભ્ય રેશ્માબેન ઝવેરીએ પણ બાળ લગ્ન અટકાવવા ઉપર ભાર મૂકયો હતો.વકીલ અગ્રણી શ્રી હેમસિંહ ચૌધરી સહિતના તજજ્ઞ વકતાઓએ પણ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત પોતાના વિચારો વ્યકત કર્યાં હતા.કાર્યક્રમના પ્રારંભે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ.પી.રોહડિયાએ બાળ લગ્નો અટકાવવાની કાર્યવાહી ઉપર પ્રકાશ પાડી કાર્યક્રમની રૂપરેખા સાથે સ્વાગત પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, સમાજ કલ્યાણ અધિકારી જયેશ બારોટ, સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ, વિવિધ ગામોના સરપંચો, તલાટીઓ,જ્ઞાતિના આગેવાનો, સામાજીક કાર્યકરો, સામાજીક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, અંધજન મંડળ અને સમાજ કાર્ય ભવનના કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.