ટુંડાનાં ગેરકાયદે કોમર્શિયલ દબાણોનો સફાયો

સરકારી કિંમતી જમીનો પર થયેલાં દબાણો દૂર કરવાની ચાલી રહેલી કામગીરી દરમ્યાન વધુ એક કાર્યવાહીમાં મુંદરા તાલુકાના ટુંડા-કાંડાગરા, શિરાચા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરકારી તંત્રનું  આવી 17 દુકાન અને બે ઓફિસના ગેરકાયદે કોમર્શિયલ દબાણો પર બુલડોઝર ફરતાં 2512 ચો.મી. જમીન દબાણ મુક્ત થઇ હતી. આ વાણિજ્ય હેતુ માટેની જમીનની કિં. 3,76,80,000 થાય છે. સતત ચાલી રહેલી આ દબાણ હટાવની કામગીરીથી આવા ભૂમાફિયામાં ફફડાટ વ્યાપ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મળેલી સત્તાવાર માહિતી મુજબ મુંદરા તાલુકાના ટુંડાની સરકારી  ટ્રાવર્સ નં. 180 પૈકીની જમીન ઉપર થયેલાં વાણિજ્ય હેતુનાં દબાણો બાબતે દબાણો દૂર કરવા હુકમ થયા બાદ આવા ગેરકાયદે દબાણકર્તા એવા કુલ્લે 2512 ચો.મી.ની જમીન જેની કિં. રૂા. 3,76,80,000વાળી દબાણમુક્ત કરાઇ હતી. મુંદરાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર તથા મુંદરા પોલીસની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે થયેલી આ દબાણ હટાવની કામગીરી દરમ્યાન વહીવટીતંત્રનો સ્ટાફ તથા પીજીવીસીએલનો સ્ટાફ હાજર રહ્યો હતો.