’12 ચીની નાવિકોનો જીવ બચાવવાનો ઉપકાર નહીં ભૂલીએ’: ચીની સૈન્ય અધિકારીએ ભારતીય સેનાનો માન્યો આભાર

ભારતમાં ચીનના નવા ડિફેન્સ અટેચી રિયર એડમિરલ યુ જિયાને ભારતીય સેનાના મુક્તકંઠે વખાણ કરતા આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ગત વર્ષે જૂન મહિનામાં કેરળના તટ નજીક એક કાર્ગો જહાજમાં ભીષણ આગ અને વિસ્ફોટ બાદ ભારતીય સેનાએ ચીનના ૧૨ નાવિકોને સુરક્ષિત બચાવી લીધા હતા. ચીન ભારતીય સેનાની આ સમયસરની મદદને ક્યારેય નહીં ભૂલે. પોતાના સંબોધનમાં ડિફેન્સ અટેચીએ બંને દેશો વચ્ચે સુધરી રહેલા સંબંધો પર ભાર મૂક્યો હતો:”અમને ખુશી છે કે બંને દેશોના ટોચના નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ભારત-ચીન સંબંધો ફરીથી સુધારા અને વિકાસના સાચા માર્ગે આગળ વધી રહ્યા છે. ભારતીય અને ચીની સેનાઓએ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.”તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ચીન હંમેશાથી માને છે કે ભારત અને ચીન વચ્ચેના સામાજિક અને આર્થિક હિતો બંને દેશો વચ્ચેના સરહદી કે રાજકીય મતભેદો કરતાં વધુ મોટા અને મહત્વપૂર્ણ છે.બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવા પર ભાર મૂકતા રિયર એડમિરલ યુ જિયાને જણાવ્યું કે: ચીન ભારત સાથે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સતત સંવાદ અને વાટાઘાટો ચાલુ રાખવા માંગે છે.સતત ચર્ચા દ્વારા પરસ્પર વિશ્વાસ વધારવો, સૈન્ય સહયોગ મજબૂત કરવો અને બંને દેશોના નાગરિકોના હિતમાં સાથે મળીને કામ કરવું એ મુખ્ય લક્ષ્ય છે.