સમયસર બનેલા આયુષ્માન કાર્ડ થકી ભચાઉ તાલુકાના સામખીયારી સોમાભાઈની નિઃશુલ્ક સર્જરી થતાં મળ્યું નવું જીવન

કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ બની રહી છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયારી ગામના સોમાભાઈ રબારીનો કિસ્સો તેનું જીવંત ઉદાહરણ છે.
સામખીયારી ગામના ૩૪ વર્ષીય સોમાભાઈ રબારીને સારણ એટલે કે ગાંઠની સમસ્યા હોવાનું નિદાન થયું. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરાવવાની સલાહ આપી. સારવારનો ખર્ચ લાખોમાં થાય તેમ હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરંતુ આયુષ્માન આરોગ્ય મંદિર, સામખીયારી-1ના આરોગ્ય કાર્યકરે અગાઉથી જ સોમાભાઈનું આયુષ્માન કાર્ડ બનાવી આપ્યું હતું. આ જ કાર્ડ પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યું.
આયુષ્માન કાર્ડના આધારે સોમાભાઈને આ યોજના હેઠળ નોંધાયેલી હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર અને સફળ સર્જરીનો લાભ મળ્યો. સમગ્ર સારવાર દરમિયાન પરિવારે એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નહીં.સર્જરી બાદ આજે સોમાભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે અને પોતાનું રોજિંદુ કામ કરી રહ્યા છે. સોમાભાઈએ સરકારની આયુષ્માન ભારત PM-JAY યોજના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો તથા આરોગ્ય વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આ કિસ્સો દર્શાવે છે કે સમયસર બનાવેલું આયુષ્માન કાર્ડ કટોકટીના સમયે સંજીવની સમાન છે. તેનાથી દર્દીને સારી સારવાર મળે છે અને પરિવાર આર્થિક ભારણમાંથી બચે છે. આથી દરેક પાત્ર લાભાર્થીએ પોતાનું આયુષ્માન કાર્ડ સમયસર બનાવી લેવું જોઈએ.