સંસદ કૂચમાં પેલેટગન છોડાઈ હતી : સીઆરપીએફ

દિલ્હીમાં 20 જુલાઈની સંસદ કૂચ દરમ્યાન સીઆરએએફના એક જવાને પેલેટગનથી સાત રાઉન્ડ છોડયા હતા, તેવું સીઆરપીએફની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ધડાકા સાથે તપાસમાં સામે આવ્યું છે કે, સાતમાંથી પાંચ રાઉન્ડની ગોળી પ્રદર્શનકારીઓને વાગી હતી, તો બે જમીન પર પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ તપાસ મુજબ જવાનની તૈનાતી કનોટપ્લેસ વિસ્તારમાં હતી. દેખાવકારોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો ત્યારે ગોળીબાર કરાયો હતો. કાર્યવાહી દરમ્યાન પેલેટગનનો ઉપયોગ કરાયો હતો કે નહીં તે જાણવા સીઆરપીએફ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ ઘટનામાં કમસેકમ ત્રણ પ્રદર્શનકારી પેલેટગનથી ઘાયલ થઈ ગયા હતા, જેમાં એક 28 વર્ષીય પત્રકાર પણ સામેલ છે. પેલેટગનના ઉપયોગ સામે સીજેપીના સમર્થકો, પ્રદર્શનકારીઓની સાથોસાથ વિપક્ષોએ પણ વિરોધ કરીને આ કાર્યવાહી પર પ્રહાર કર્યા હતા. સીઆરપીએફના મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, પ્રદર્શન ખતમ થઈ ગયું છે અને આ પ્રકરણની વ્યાવસાયિક રીતે પૂરી તપાસ થશે.