ખડગેના મનુસ્મૃતિ પર નિવેદનથી હોબાળો

image

રાજ્યસભામાં ગુરુવારે પેપર લીક રોકતા ખરડા પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતાં ગૃહમાં હોબાળો મચી ગયો હતો. ખડગેએ સરકાર યુવાનોની આકાંક્ષા પુરી કરવામાં નિષ્ફળ રહી છે તેવો આરોપ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું , `આ મુદ્દો દેશના દરેક પરિવારને સ્પર્શે છે, જ્યારે પીએમ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતની વાત કરે છે, ત્યારે આપણા બાળકો તેમાં એક મોટું રોકાણ છે. આપણા વિપક્ષી નેતાએ ફરીથી 152 પેપર લીક થવાની વાત કરી, પરંતુ તેને પ્રમાણિત કરી શક્યા નહીં.’ જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, મેનેજમેન્ટ ક્વોટા નાબૂદ કરીને, પ્રધાનમંત્રીએ તબીબી શિક્ષણ બધા માટે સુલભ બનાવ્યું. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મનુસ્મૃતિ અંગે ગૃહમાં નિવેદન આપ્યું, જેના કારણે હોબાળો મચ્યો હતો.અધ્યક્ષે ખડગેને અટકાવ્યા અને પૂછયું કે, મનુસ્મૃતિનો પેપર લીક બિલ સાથે શું સંબંધ છે. ભાજપે ખડગેની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો. ગૃહના નેતા જેપી નડ્ડાએ જણાવ્યું કે, ખડગેનાં નિવેદનથી અશાંતિ થશે અને ખડગેની ટિપ્પણી તથ્યોથી મુક્ત છે. ખડગેએ જણાવ્યું હતું કે, મનુસ્મૃતિના તત્ત્વોને નવા અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું કે વેદના પાઠ કરવા બદલ જીભ કાપવાની અને વૈદિક મંત્રોચ્ચાર કરવા બદલ શરીર કાપી નાખવાની વાત પણ થઈ રહી છે. આ બધું મનુસ્મૃતિમાં લખાયેલું છે. ખડગેએ આ વાત કહેતાની સાથે જ ગૃહમાં હોબાળો મચી ગયો.