ભચાઉમાં ઝડપાયેલા નીમ કોટેડ યુરિયા ખાતર મામલે ત્રણ સામે ફરિયાદ
copy image

પૂર્વ કચ્છમાં પ્લાયવૂડની કંપનીઓમાં નીમ કોટેડ યુરિયા ખાતરનું વેચાણ થતું હોવાની ફરિયાદ વ્યાપક બની છે, તે વચ્ચે ભચાઉ પોલીસે જુલાઈ મહિનામાં કરેલી કાર્યવાહી મામલે ત્રણ શખ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉ પોલીસે આરોપીઓ ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. ગત જુલાઈ મહિનામાં વેરાઈ કૃપા હોટેલની બાજુમાં આવેલા ગોદામમાં કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી દરમ્યાન 50 કિલોની રૂા. 10,901ની યુરિયા ખાતરની 46 બોરી, પીળા કલરની ખાતરની 3182ની કિંમતની 27 થેલી, કબજે કરવામાં આવી હતી. ખેતીકામ માટે વપરાતું નીમ કોટેડ સબસિડીવાળું યુરિયા ખાતર આરોપીઓએ ગોદામમાં સંગ્રહિત કર્યું હતું. આરોપીઓએ ગેરકાયદે રીતે આ ખાતરનો અન્ય રીતે ઉપયોગ કરવા માટે કારસો ઘડયો હતો. ખાતરના જથ્થાના પૃથક્કરણ માટે ખેતીવાડી અધિકારી દ્વારા નમૂના જૂનાગઢ ખાતે મૂકવામાં આવ્યા હતા અને તેના અહેવાલમાં નીમ કોટેડ ખાતર હોવાનું જણાતાં ગુનો નોંધાયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે