માંડવીના નાની ખાખર ગામે ઔદ્યોગિક એકમનો વિવાદ: ગ્રામજનો ટીડીઓ કચેરીએ પહોંચ્યા

image

માંડવી: તાલુકાના નાની ખાખર ગામે નિર્માણ પામતા ઔદ્યોગિક એકમ નું વિવાદ વધુ ઘેરો બન્યો છે. કંપની દ્વારા થઈ રહેલા બાંધકામને અટકાવવા માટે ગામના સરપંચ દ્વારા વિધિવત નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં, કામગીરી બંધ કરવામાં આવી ન હતી. આથી આક્રોશે ભરાયેલા નાની ખાખર ગામના બોહોળી સંખ્યામાં આગેવાનો અને યુવાનો તાલુકા વિકાસ અધિકારી (TDO) સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

રજૂઆત દરમિયાન સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો, તાલુકા વિકાસ અધિકારીએ આ બાબતે પોતાની મર્યાદા દર્શાવી હતી. TDOએ ગ્રામજનોને જણાવ્યું હતું કે, આ પ્રકારના મામલામાં તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બાંધકામ અટકાવવાની અને તેની સામે પગલાં લેવાની સત્તા ગ્રામ પંચાયત પાસે રહેલી છે અને પંચાયતે જ તેની અમલવારી કરાવવાની હોય છે.

આ પ્રસંગે ‘નાની ખાખર ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિ’ના હોદ્દેદારોએ આકરા પાણીએ થઈને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, જો કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગામને તથા આજુબાજુના વિસ જેટલા ગામડાઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ રજૂઆતમાં નાની ખાખર ગામના સ્થાનિક આગેવાનો, ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.