ગાંધીધામમાં યુવતીની લાશ મળતાં અફરાતફરી

ગાંધીધામના ભારતનગર નજીક જનતા કોલોની સોનલ નગરમાં ભાડાંનાં મકાનમાં રહેનાર મૂળ મધ્યપ્રદેશની મિનાક્ષી લાલસિંઘ પરિહાર (ઉ.વ. 24) નામની યુવતીની શંકાસ્પદ હાલતમાં કોહવાયેલી લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. મળતી માહિતી મુજબ અહીંના જનતા કોલોની સોનલ નગર પ્લોટ નંબર 60માં છેલ્લા દશેક મહિનાથી ભાડે રહેનાર મિનાક્ષી નામની યુવતીની આજે કોહવાઈ ગયેલી લાશ મળી આવતાં સ્થાનિક પોલીસ તાબડતોબ ત્યાં દોડી ગઈ હતી. આ યુવતીની બહેન મધ્યપ્રદેશ રહે છે. બંનેની વાત ગયા રવિવારે થઈ હતી. બાદમાં તેની બહેને આ યુવતીને વારંવાર ફોન કર્યા છતાં તેણે ફોન ઉપાડયો ન હતો. મધ્યપ્રદેશમાં રહેનાર તેની બહેન અહીં અગાઉ કાસેઝની એક કંપનીમાં કામ કરી ચૂકી છે. તેણે પોતાના ઓળખીતાઓને આ બનાવની જાણ કરી હતી. મિનાક્ષી અગાઉ એક મોલમાં કામ કરતી હતી તેમજ હાલમાં છેલ્લા થોડાક દિવસોથી તનિષ્ક જ્વેલર્સમાં લાગી હતી. મધ્યપ્રદેશમાં રહેનાર તેની બહેને પોતાના ઓળખીતાઓને જ્વેલર્સની દુકાનમાં મોકલાવતાં આ યુવતી બે-ત્રણ દિવસથી દુકાને ન આવી હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન તે જ્યાં રહેતી હતી તે સોનલ નગર વિસ્તારમાં આવતા બહારથી દરવાજો બંધ હતો અને અંદરથી દુર્ગંધ આવતી હતી. બનાવની જાણ પોલીસને થતાં તાબડતોબ આવેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવતીની કોહવાઈ ગયેલી શંકાસ્પદ હાલતમાં રૂમમાંથી લાશ મળી આવી હતી. પોલીસે પી.એમ. કરાવવા, તેના સંબંધીઓને જાણ કરવા સહિતની આગળની તપાસનો ધમધમાટ આદર્યો હતો. બંધ રૂમમાં તેની હત્યા કરાઈ હશે કે કેમ ? તે સહિતની દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.