અંજારની સાગર રેસિડેન્સી ખાતે પર્યાવરણ જતનનો ઉમદા સંદેશ: ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ માલસતરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ યોજાયું

અંજાર: પર્યાવરણની જાળવણી અને હરિયાળા ભવિષ્યના નિર્માણ અર્થે આજ રોજ અંજારની ‘સાગર રેસિડેન્સી’ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ અને જાણીતા પર્યાવરણ પ્રેમી પરેશભાઈ માલસતર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના વ્યસ્ત સમયમાંથી કિંમતી સમય ફાળવીને પધારેલા પરેશભાઈ માલસતરના વરદ હસ્તે સોસાયટી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાતાવરણને શુદ્ધ રાખતા અને દિવસ-રાત ચોવીસે કલાક ઓક્સિજન આપતા 5 વિશેષ છોડનું વાવેતર કરીને પ્રકૃતિ જતનનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક રહીશોએ ઉપપ્રમુખ ની પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા અને હાજરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પરેશભાઈએ જણાવ્યું હતું કે, વૃક્ષો એ જ આપણું સાચું જીવનધન છે અને દરેક નાગરિકે પોતાના વિસ્તારને હરિયાળો બનાવવા ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ.
આ કાર્યક્રમમાં સાગર રેસિડેન્સીના સભ્યો સુનિલભાઈ, સંજયભાઈ, દર્શનભાઈ, પ્રવિણભાઇ, વાસુદેવભાઈ, શાંતિલાલ, મોહનભાઈ અને સ્થાનિક અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને વૃક્ષોના ઉછેર માટે સંકલ્પબદ્ધ થયા હતા. સાથે પિંજરા માટે સહયોગી હોટલ આર્ય ઈન ના ધનજીભાઈ, દિનેશભાઈ, સુનિલભાઈ અને ધર્મેશભાઇ રહ્યા હતા.