ગાંધીધામ : 804 કરોડની છેતરપિંડી પ્રકરણે દસ્તાવેજની ચકાસણી શરૂ થશે

ગાંધીધામમાં આવકવેરા વિભાગ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે કરચોરી, છેતરપિંડી આચરવા બદલ જુદા-જુદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત નવ લોકો સામે સરકાર  સાથે રૂા. 804.30 કરોડની ઠગાઇ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. આવકવેરા વિભાગની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, આરોપીઓએ એકસંપ થઇને ખોટા દસ્તાવેજોના આધારે ફોર્મ 15-સીબી – પ્રમાણપત્રો બનાવ્યાં હતાં. આ ખોટા પ્રમાણપત્રોનો ઉપયોગ આવકવેરા વિભાગ સમક્ષ રજૂ કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામા આવ્યો હતો. આ રીતે વિભાગ અને સરકારને અંધારામાં રાખીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસ મથકે આવકવેરા વિભાગના ઇન્સ્પેકટરએ સી.એ. એવા નવ લોકો સામે ફરિયાદ નેંધાવી હતી. રૂા. 804.30 કરોડની આ છેતરપિંડી, ઠગાઇના પ્રકરણમાં નાણાં વિદેશ મોકલનાર સંસ્થાઓના ડિરેકટરો, સંબંધિત વચેટિયાઓ, હેન્ડલરો, બેંક કર્મીઓ સામેલ છે કે કેમ ? તેની પોલીસે તપસાસ હાથ ધરી છે. આ અંગે તપાસ કરનાર પી.આઇ. એમ.જે. રાઠોડનો સંપર્ક કરતાં આવકવેરા વિભાગ દ્વારા તમામ દસ્તાવેજો અપાય બાદમાં આગળની તપાસનો ધમધમાટ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું. આ પ્રકરણમાં હજુ કોઇની અટક ન થઇ ન હોવાનું બહાર આવ્યું હતું.