નીરોણા મહેશ્વરી સમાજની ૯ પરિણિત બહેનો દ્વારા નિર્જળા ‘ગોરખુડા વ્રત’ની કઠિન તપસ્યાનો આરંભ

નખત્રાણા: વર્ષો જૂની પવિત્ર પરંપરા મુજબ નીરોણા મહેશ્વરી સમાજ ની ગવરીદેવી પરણિત ૯ સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કઠિન ‘ગોરખુડા વ્રત’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેશ સંપ્રદાયમાં આ વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે, જેમાં શ્રાવણ સુદ બીજના રોજ વ્રતની સ્થાપના કરીને શ્રાવણ વદ બીજે તેની ભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ દિવસીય કઠિન તપસ્યા દરમિયાન વ્રતધારી બહેનો દિવસભર અન્ન અને જળનો ત્યાગ કરીને કઠોર વ્રત અને પૂજા-અર્ચના કરે છે. વ્રતની વિધિ અનુસાર તમામ બહેનો સાંજના સમયે સમૂહમાં ગામના તળાવે અથવા ધાર્મિક સ્થળે સ્નાન કરીને ગોરખુડા દેવની પૂજા કરે છે. ત્યારબાદ ઘરે આવી લુણગ દેવની વિધિવત પૂજા-અર્ચના કરી પોતાના પતિના દીર્ઘાયુ, પરિવારની સુખ-શાંતિ તેમજ સમાજ અને દેશની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાથના કરે છે અને સૂર્યાસ્ત પછી અન્ન-જળ ગ્રહણ કરે છે.
આ વર્ષે તારીખ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ થયેલા આ કઠિન વ્રતમાં ધૂવા જશોદાબેન શામજીભાઈ, ગરવા દિવ્યાબેન જીતેન્દ્રભાઈ, થારૂ રસિલાબેન દિનેશભાઈ, સીજુ ગંગાબેન મનજીભાઈ, જેપાર આરતીબેન જીગરભાઈ, વિગોરા કુંવરબેન કમલેશભાઈ, ભોઈયા મંજુલાબેન ઈશ્વરભાઈ, ગરવા હર્ષિદાબેન મયુરભાઈ અને પાતરિયા શિવાનીબેન મહેશભાઈ જોડાયા છે. આ વ્રતની પૂર્ણ આહુતિ તારીખ ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ થશે. તમામ ૯ વ્રતધારી બહેનોની આ કઠિન તપસ્યા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે સમગ્ર મહેશ્વરી સમાજ દ્વારા હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.