સુરત ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદન અભિલાષ અને પ્રથા ફેવરિટ

Preview_5thGSRTTT26_SRT (1)

સુરત, બીજી સપ્ટેમ્બ: રતાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રીજીથી પાંચમી સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સમગ્ રાજ્યમાંથી મોખરાના ખેલાડીઓ ભાગ લેવાના  છે અને તેમાં અમદાવાદના અભિલાષ રાવલ અને પ્રથા પવાર ફેવરિટ રહેશે તથા તેમને હરાવવા મુશ્કેલ બની રહેશે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાનારી આ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર તાપ્તિ વેલી ઇટરનેશનલ સ્કૂલ રહેશે. આ ટુર્નામેન્ટમાં 650 ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં ભાગ લેનારા છે જેમાં વિજેતાઓમાં 2.90 લાખ રૂપિયાની ઇનામી રકમ તથા ગિફ્ટનું વિતરણ થશે.

આ સિઝનમાં અત્યાર સુધી યોજાયેલી ચાર સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ પૈકીની બેમાં વિજેતા બનેલો 23 વર્ષીય અભિલાષ રાવલ સુરતમાં તેના પ્રભાવશાળી દેખાવને આગળ ધપાવવા માંગશે જ્યાં તેણે 2025માં પોતાનું પ્રથમ સ્ટેટ રેન્કિંગ મેન્સ ટાઇટલ જીત્યો હતો. જોકે, મેન્સ કેટેગરીમાં રોમાંચક મુકાબલામાં તેને જન્મેજય પટેલ, જયનિલ મહેતા અને સ્થાનિક પેડલર્સ નુતાંશુ દયામા તથા  અયાઝ મુરાદ તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે.

વિમેન્સમાં પ્રથા પવારે અત્યાર સુધીની ચાર પૈકીની ત્રણ રેન્કિંગ ટુર્નામેન્ટ જીતીને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. અમદાવાદની આ પેડલર પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરશે  પરંતુ સ્થાનિક આશા આફરિન મુરાદ ઘરઆંગણે તેની જીતની કૂચને રોકવા માટે મક્કમ રહેશે.

ગાંધીધામ ખાતે યોજાયેલી બીજી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ જીતનારી મુરાદ, પરિચિત પરિસ્થિતિઓ અને સ્થાનિક સમર્થનનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરશે. રિયા જયસ્વાલ પણ વિમેન્સ તાજની રેસમાં સામેલ રહે તેવી અપેક્ષા છે.

સુરતના અન્ય જાણીતા અને સફળ પેડલર્સ દાનિયા ગોદિલ, વિન્સી તન્ના, ધિમાની કાબરાવાલા, પ્રિશા પરીખ અને દક્ષ જેઠવા પણ પોતપોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
આયોજક સચિવ અમિત ચોક્સીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ અનુભવી ખેલાડીઓની સાથે નવી ઉભરતી પ્રતિભાઓને પણ એક સ્પર્ધાત્મક મંચ પૂરો પાડશે.

ચોક્સીએ ઉમેર્યું હતું કે “ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્પર્ધા આપવાની સાથે અમે  આ ટુર્નામેન્ટના દિવસે ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે વિના મૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ખેલાડીઓ માત્ર પોતાની મેચો પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને તેમને રમવાનો આરામદાયક અનુભવ મળે.”

અત્યાર સુધીની ચાર રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટમાંથી રાવલ અને પવારે મળીને પાંચ ટાઇટલ જીત્યા છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે ફોર્મમાં ચાલી રહેલી અમદાવાદની આ જોડી પોતાનું પ્રભુત્વ જાળવી રાખે છે કે પછી ગુજરાતના અન્ય અગ્રણી પેડલર્સ પાસા પલટી નાખે છે.