ભચાઉ શહેર કૃષ્ણમય બન્યું: મટકી ફોડી ભવ્ય ઉજવણી, ‘હરે કૃષ્ણ’ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર

ભચાઉ: જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભચાઉ શહેરમાં ભવ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી ભચાઉના અંબા ધામથી શરૂ થયેલો ઉત્સવ નવી ભચાઉ, વોઘ નાકા, માંડવી ચોક, મહારાણા પ્રતાપ ગેટ, જય માતાજી ચોક, જુના બસ સ્ટેન્ડ, બટિયા તળાવ સહિતના વિસ્તારોમાં ઉત્સાહભેર યોજાયો હતો.
મટકી ફોડ કાર્યક્રમમાં ભચાઉ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર શહેર ‘હરે કૃષ્ણ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ઠેર-ઠેર માનવ મહેરામણ ઉમટ્યો હતો.
કાર્યક્રમમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી. જાડેજા, ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી. જાડેજા, પ્રમુખ પેથાભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન વિજયસિંહ મેઘુભા ઝાલા સહિતના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો, રાજકીય આગેવાનો, કાર્યકરો તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દરેક મટકી ફોડવા માટે ચડાવાની બોલી યોજાઈ હતી, જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભચાઉ શહેર યુવા મંડળના પ્રમુખ કુલદીપસિંહ વી. જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અવિનાશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસની વ્યવસ્થાને કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
અહેવાલ જયેશ ધેયડા ભચાઉ