ભચાઉના માનસરોવર વિસ્તારમાં મકાનમાં આગ, 3 કલાકની જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને આજે સાંજે આશરે 5:30 વાગ્યે 112 મારફતે જાણ કરવામાં આવી હતી કે ભચાઉના માનસરોવર વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી છે અને એ.સી.માં બ્લાસ્ટ થયો છે.
જાણ મળતાં જ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ વધુ વિકરાળ હોવાથી નજીક આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝની ફાયર ગાડીની પણ મદદ લેવામાં આવી હતી.
આગના કારણે ભારે ધુમાડો ફેલાતા મકાનની અંદર પ્રવેશવું પણ મુશ્કેલ બન્યું હતું. ફાયર ટીમ દ્વારા સતત લગભગ 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગની ઘટનામાં મકાનની ઘરવખરીને આશરે 50 ટકા જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ રેસ્ક્યુ અને ફાયર કંટ્રોલ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ અને મયુર રામાનંદી સાધુ જોડાયા હતા.
અહેવાલ જયેશ ધેયડા ભચાઉ