ધોરાજીમાં નીકળી જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

ધોરાજીમાં આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ‘ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ – ધોરાજી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭:૦૦ કલાકે સાધુ-સંતોના કરકમલોથી બહુચરાજી મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા બહુચરાજી મંદિરથી શરૂ થઈને ધોરાજીના અવેડા ચોક, જેતપુર રોડ, ગેલેક્સી ચોક, પોસ્ટ ઓફિસ, કોલેજ ચોક, રામ મંદિર, સ્ટેશન રોડ, ત્રણ દરવાજા, દરબારગઢ અને શાકમાર્કેટ જેવા મુખ્ય માર્ગો પર ફરીને પુનઃ બહુચરાજી મંદિર ખાતે જ પૂર્ણ થઈ હતી. આ ધાર્મિક પ્રસંગે ધોરાજી શહેરના તમામ સામાજિક, ધાર્મિક, સેવાકીય સંસ્થાઓના આગેવાનો, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ, યુવક મંડળો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.