સુરત સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અયાઝ, પ્રતિક, હુસૈન સહિત સ્થાનિક ખેલાડીઓ મેઇન ડ્રોમાં

સ્થાનિક ખેલાડીઓ (સુરતના) અયાઝ મુરાદ, પ્રતિક નારંગ અને હુસૈન ગોધરાવાલાએ તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટના મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો, આ ટુર્નામેન્ટ ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંના તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઈ છે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાનારી આ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર તાપ્તિ વેલી ઇટરનેશનલ સ્કૂલ રહેશે. આ ટુર્નામેન્ટમાં 650 ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં ભાગ લેનારા છે જેમાં વિજેતાઓમાં 2.90 લાખ રૂપિયાની ઇનામી રકમ તથા ગિફ્ટનું વિતરણ થશે.ખાસ કરીને મુરાદ આક્રમક મૂડમાં હતો અને તેણે રાજકોટના ધ્યેય પીઠડિયાને 3-0થી હરાવ્યો હતો, જ્યારે નારંગે હિતેશ પરમારને 3-0થી સરળતાથી પરાસ્ત કર્યો હતો. હુસૈન ગોધરાવાલાએ પણ એક પણ ગેમ ગુમાવ્યા વિના સુરતના જ પેડલર સંજય સિંહને સમાન 3-0ના સ્કોરથી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
રાજકોટનો હેત ઠાકર, ભાવનગરના સાગર મકવાણા અને નીરજ દિહોરા તથા ગાંધીનગરનો જીગર સરવૈયા સીધી ગેમમાં જીત મેળવનારા અન્ય ક્વોલિફાયર રહ્યા હતા. ઠાકરે રિધમ નાયકને 11-6, 11-6, 11-8થી હરાવ્યો હતો, જ્યારે મકવાણાએ સુરતના દિશાન મોતિયાણીને 11-7, 11-3, 11-3થી પરાસ્ત કર્યો હતો. સરવૈયાએ રિયાંશ ગુપ્તાને 11-4, 11-9, 11-5થી અને દિહોરાએ જલ પટેલને 11-3, 11-6, 11-4થી હરાવ્યો હતો.
મેન્સના મેઇન ડ્રોમાં પહેલેથી જ મજબૂત ખેલાડીઓ સામેલ છે, જેમાં સીધો પ્રવેશ મેળવનારા 12 ખેલાડીઓમાં અમદાવાદના અભિલાષ રાવલનો સમાવેશ થાય છે. ધૈર્ય પરમાર, સોહમ ભટ્ટાચાર્ય, જન્મેજય પટેલ, ધ્યેય જાની, પૂજન ચંદારાણા, ઓમ જયસ્વાલ, જયનિલ મહેતા, દેવર્ષ વાઘેલા, નિલય ઠક્કર, નુતાંશુ દયામા અને પ્રથમ માદલાણી સીધો પ્રવેશ મેળવનારા અન્ય ખેલાડીઓ છે.
સ્થાનિક પેડલર્સે પણ અંડર-19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી, જેમાં વંશ દરિયાણી અને રાજવીર માધવાણીએ મેઇન ડ્રોમાં સ્થાન પાક્કું કર્યું હતું. અમદાવાદના નીવ રાછ, ભાવનગરના પરમ પરમાર, વડોદરાના ક્રિશય શાહ, કચ્છના યુગ પ્રતાપ સિંહ અને ગાંધીનગરના આદિત્ય બ્રહ્મભટ્ટ પણ આગળના રાઉન્ડમાં પહોંચ્યા હતા.
અંડર-19 બોયઝની શ્રેણીમાં ટોચના ક્રમાંકિત જન્મેજય પટેલ, વેદ પંચાલ, માલવ પંચાલ, અંશ ખમાર, અભિલાક્ષ પટેલ, દિવ્ય ભાવસાર, પવન કુમાર અને યુગ પરમારને મેઇન ડ્રોમાં સીધો પ્રવેશ મળ્યો છે.
ક્વોલિફાઈંગ રાઉન્ડના કેટલાક પરિણામોઃ
મેન્સઃ અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ ધ્યેય પીઠડીયા 3-0 (11-1,11-1,11-2); પ્રતિક નારંગ જીત્યા વિરુદ્ધ હિતેશ પરમાર 3-0 (11-3, 11-4, 11-5); હુસૈન ગોધરાવાલા જીત્યા વિરુદ્ધ સંજય સિંહ 3-0 (11-6,11-2,11-7); હેત ઠાકર જીત્યા વિરુદ્ધ રિધમ નાયક 3-0 (11-6, 11-6, 11-8); સાગર મકવાણા જીત્યા વિરુદ્ધ દિશાન મોતિયાન 3-0 (11-7, 11-3, 11-3); જીગર સરવૈયા જીત્યા વિરુદ્ધ રેયાંશ ગુપ્તા 3-0 (11-4, 11-9, 11-5); નીરજ દિહોરા જીત્યા વિરુદ્ધ જાલ પટેલ 3-0, (11-3, 11-6, 11-4).
અંડર-19 બોયઝઃ રાજવીર માધવાણી જીત્યા વિરુદ્ધ મોક્ષ બ્રહ્મભટ્ટ 3-1 (11-9, 11-5, 9-11, 11-4); વંશ દરિયાની જીત્યા વિરુદ્ધ રિયાન માખેજા 3-0 (11-5,11-8,11-8); નીવ રાછ જીત્યા વિરુદ્ધ દિશાન મોતિયાની 3-0 (11-6, 11-7, 11-5); પરમ પરમાર જીત્યા વિરુદ્ધ વિકાસ પરમાર 3-1 (11-8, 9-11, 11-8, 11-7); ક્રિશવ શાહ જીત્યા વિરુદ્ધ કેવલ વેલારી 3-0 (11-3, 11-8, 11-6); યુગ પરમાર જીત્યા વિરુદ્ધ સૌમ્ય દેસાણી 3-0 (11-9, 11-9, 11-8); આદિત્ય બ્રહ્મભટ્ટ જીત્યા વિરુદ્ધ યથાર્થ પટેલ 3-0 (11-7,11-9,11-8).