સામખિયાળીમાં બિરિયાનીના ઓર્ડરના બહાને 1.75 લાખની છેતરપિંડી

ભચાઉના સામખિયાળીમાં બાદશાહ હોટેલમાંથી વાત કરું છું બે-અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, રોકડા લઇને માણસ મૂકું છું તેમ કહી ઠગબાજએ વેપારી સાથે રૂા. 1,75,000ની ઠગબાજી કરી હતી. આવો એક કિસ્સો આદિપુરમાં રાજ પાંઉભાજીના નામે સપાટી પર આવ્યો હતો. મળતી માહિતી મુજબ સામખિયાળીમાં પ્રજાપતિ સમાજવાડી નજીક કુંભારવાસમાં રહેનારએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાન સામખિયાળીમાં નવા બસસ્ટેન્ડ રોડ પર ઓમ મોબાઇલ શોપ નામની દુકાનમાં મની ટ્રાન્સફરનું કામ પણ કરે છે. ગત તા. 6/9ના બપોરે આ યુવાન પોતાની દુકાને હતો ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને પોતે બાદશાહ હોટેલ સામખિયાળીથી બોલતો હોવાનું અને ઓળખાણ પડી તેવું પૂછ્યું હતું. જેનો ફરિયાદી ઇનકાર કર્યો હતો. આ ઠગબાજએ પોતાને બેથી અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ હા પાડી હતી. દરમ્યાન આ ઠગબાજએ હોટેલથી મારો માણસ રોકડા લઇને મોકલું છું તે રૂપિયા આપી જશે તેવી વાત કરી હતી. થોડીવાર બાદ બાદશાહ હોટેલથી ઇકબાલભાઇ તે દુકાને ઊભા રહ્યા હતા. તેણે ફરિયાદીને ફોન આપતાં સામા છેડે દિલીપભાઇ વાત કરું છું. મારો માણસ રૂપિયા લઇને આવ્યો છે. હું કહું તે બેન્કમાં રૂા. 75,000 તથા રૂા. 1 લાખ ટ્રાન્સફર કરી આપો તેવું કહી વિશ્વાસમાં લીધો હતો. બાદમાં ફરિયાદીએ મુખ્ય એડમિન દ્વારા આ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. મુખ્ય એડમિનએ આટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવી છે. આજકાલ છેતરપિંડી બહુ થાય છે ચેતજો તેવું કહેતાં ફરિયાદીએ ઇકબાલને મની ટ્રાન્સફરના રૂપિયા માગ્યા હતા, ત્યારે તેણે આ ફોન કરનાર ભાઇએ પોતાને 25 કિલો બિરિયાનીનો ઓર્ડર આપ્યો હતો અને તેના પૈસા તમારાથી લેવાનું જણાવ્યું હતું તેમ જણાવતાં ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં તેણે તરત 1930માં ફરિયાદ કરી હતી. વધુ તપાસ પોલીસએ હાથ ધરી છે.