બોહાની સીમમાં કાળો કહેર: તરસ્યા ઘાસ પર લોહીના ડાઘ, દીપડાના પંજાથી ગાયની ચીસ સાંભળીને ધ્રૂજી ઉઠ્યું આખું અબડાસા!

સવાર હતી. બોહા ગામની સીમમાં ઘાસ હજુ કરા સાથે ભીનું હતું. ગાયોનું ટોળું નિર્દોષ મને ચરી રહ્યું હતું, જાણે એમને ખબર જ ન હોય કે આ ઘાસની પાછળ મોત છુપાયું છે.

ત્યાં જ ઝાડી માંથી એક કાળો પડછાયો ત્રાટક્યો… દીપડા જેવા હિંસક પ્રાણીએ સીધો ગાય પર હુમલો કર્યો.

ગાયની એક ચીસ… એ ચીસ એટલી કરુણ હતી કે આખી સીમ થંભી ગઈ. તે બિચારી પોતાના જીવ માટે તરફડતી રહી, પણ હિંસક પંજા એ એને છોડી નહીં. ગંભીર ઈજાઓ સાથે ઘટનાસ્થળે જ એણે પ્રાણ છોડી દીધો. ખેડૂતનો આધાર, ઘરની લક્ષ્મી સમાન ગાય, લોહીના ખાબોચિયામાં પડી હતી.

આ દ્રશ્ય જોયા પછી બોહાની સીમમાં સન્નાટો છવાઈ ગયો છે. જે માલધારી કાલ સુધી પોતાના ઢોરને હેતથી ચરાવતો હતો, આજે એના હાથમાં લાકડી કાંપી રહી છે. જે ખેડૂત રાતે ખેતરમાં પાણી વાળવા જતો હતો, આજે એ એકલો જતા ડરે છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલી ઘટના નથી. આ સીમ વિસ્તારમાં આ હિંસક પ્રાણીની અવરજવર છેલ્લા ઘણા સમયથી છે, પણ તંત્રએ આંખ આડા કાન કર્યા છે.

બોહા અને આસપાસના ગામોની એક જ આજીજી છે, એક જ અપીલ છે વન વિભાગને – સાહેબ, કોઈ માણસનો ભોગ લેવાય, કોઈ માનો લાલ જાય એ પહેલા જાગો. આ સીમમાં પાંજરું મૂકો, આ હિંસક પ્રાણીને પકડો અને અમને અમારી સીમ પાછી આપો.

અમે માલધારી છીએ, અમારી પાસે આ ગાય સિવાય બીજું કાંઈ નથી…