જેસડાની ધરતી પર કલેક્ટર સાહેબના પગલાં: ગરીબની ઝૂંપડીએ બેઠા રાણાવાસી સાહેબ, પાણી-લાઈટ-ગટરના પ્રશ્ને આપ્યો તાત્કાલિક ન્યાયનો હુંકાર!
આજનો દિવસ જેસડા ગામના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે.
રાપર તાલુકાના છેવાડે આવેલા જેસડા ગામમાં આજે કોઈ નેતા નહીં, પણ ખુદ કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી રાણાવાસી સાહેબ પધાર્યા. સાહેબની ગાડી ગામના પાદરમાં ઉભી રહી કે આખું ગામ હરખઘેલું થઈ ગયું.
કલેક્ટર સાહેબ સીધા ગ્રામ પંચાયતમાં આવ્યા. ત્યાં ટેબલ-ખુરશી નહીં, પણ ગામના વડીલો વચ્ચે નીચે બેસીને વાત સાંભળી. ગામમાં પાણી નથી આવતું, લાઈટ વારંવાર જાય છે, ગટરો ઉભરાય છે… વર્ષોથી દબાયેલા એક-એક સવાલ ગ્રામજનોએ આંખમાં આંસુ સાથે કલેક્ટર સાહેબ સામે મુક્યા.
અને સાહેબે પણ દિલ જીતી લીધું. તેમણે તરત જ સરપંચ શ્રીને કડક શબ્દોમાં ભલામણ કરી – “ગ્રામજનોનો એક પણ પ્રશ્ન પડતર રહેવો જોઈએ નહીં, આજથી જ કામ શરૂ કરો.”
આ અવસરે માત્ર કલેક્ટર સાહેબ જ નહીં, પણ આખું તંત્ર જેસડાના આંગણે હતું. સાથે મામલતદાર સાહેબ શ્રી એચ.બી. વાઘેલા, ટીડીઓ સાહેબ શ્રી ખોડુભા વાઘેલા, ગામના તલાટી શ્રી, ગ્રામ સેવક શ્રી, શાળાના આચાર્યશ્રી અને ગુરુજનો, આંગણવાડીની બહેનો, પી.એચ.સી. સેન્ટરનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
કલેક્ટર સાહેબે બધા સાથે એક-એક કરીને ચર્ચા કરી, બાળકોના ભણતરથી લઈને માતાઓના આરોગ્ય સુધીની વાત જાણી.
આજે જેસડાવાસીઓને એહસાસ થયો કે તંત્ર હજુ જીવે છે, અને જ્યારે કલેક્ટર સાહેબ જેવા અધિકારી ગામડે આવે ત્યારે ગરીબના ખુશીના આંસુ એ જ સાચો વિકાસ છે.