ગાંધીધામ હાઇવે પર કાળનો કહેર! સમશાન પુલિયા પાસે ટ્રેલરે બોલેરોને જોરદાર ટક્કર મારતાં અકસ્માત, એક શ્રમિકનો કરુણ અંત, 7 જીવન-મરણ વચ્ચે!

આજની સવાર ગાંધીધામ માટે કાળી સવાર બનીને આવી.

સવારે બરાબર 8 વાગ્યાના અરસામાં, જ્યારે મજૂરો પોતાના પરિવારનું પેટ ભરવા માટે કામે જઈ રહ્યા હતા, ત્યારે ગાંધીધામ હાઇવે પર આવેલા સમશાન પુલિયા પાસે મોત તાડૂકીને ઉભું હતું.

એક તેજ રફતાર ટ્રેલર અને શ્રમિકો ભરેલી પિકઅપ બોલેરો વચ્ચે એટલો ભયાનક અકસ્માત સર્જાયો કે આખો હાઇવે ચીસોથી ગુંજી ઉઠ્યો.

મળતી ખબર મુજબ બોલેરોમાં 8 શ્રમિક સવાર હતા. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોના ચૂરેચૂરા થઈ ગયા. આ ગોઝારા અકસ્માતમાં એક મજૂર ભાઈએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો, અલ્લાહ એમની મગફિરત કરે.

જ્યારે બીજા 7 લોકો લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

હાઇવે પર ચાલતા તમામ ડ્રાઇવર ભાઈઓને હાથ જોડીને વિનંતી, ધીરે ચલાવો, તમારા ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે.