સી.આર.સી. ગઢશીશા આયોજિત ક્લસ્ટર કક્ષાના ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ ઉત્સાહભેર સંપન્ન

image

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ પ્રેરિત સી.આર.સી. ગઢશીશા દ્વારા ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રીમતિ ગીતાબા વાઘેલા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત પ્રવચન કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગોચિત પ્રવચનમાં પુંજાણી હાઈસ્કૂલના આચાર્યશ્રીએ ભારતીય આધ્યાત્મિક વિજ્ઞાન અને વર્તમાન આધુનિક વિજ્ઞાનનો સમન્વય સાધીને સરળ સમજ આપી હતી. આ ઉપરાંત, ગ્રુપ શાળાના આચાર્ય જસ્મિનબેન ગોસ્વામીએ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે રવિભાઈએ વિજ્ઞાનના વિવિધ રોચક પાસાઓ અંગે રસપ્રદ વાત કરી હતી. આ પ્રદર્શન માં મુખ્ય વિષય “ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન ટેક્નોલોજી અને ઇનોવેશન માં 5 વિભાગમાં કુલ 21 કૃતિઓ આવેલ હતી.
આ પ્રદર્શનમાં રજૂ થયેલી વિવિધ કૃતિઓનું મૂલ્યાંકન કરવા માટે નિર્ણાયક તરીકે ગીતાબેન, નિકુલભાઈ તથા ચિરાગભાઈએ નિષ્પક્ષ સેવા આપી હતી. આ પ્રસંગે વિવિધ શાળાઓમાંથી પધારેલા શિક્ષક ભાઈ-બહેનો તેમજ રાજવી બારોટ, નીરવભાઈ ગોસ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સુચારુ સંચાલન અને સમગ્ર વ્યવસ્થા કુમાર શાળાના શિક્ષિકા બહેનો દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સી.આર.સી. કો-ઓર્ડિનેટર હિરેનભાઈ વાસાણીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, નિર્ણાયકો, માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કરી આભારવિધિ આટોપી હતી.