મહિલાને વ્યાજે પૈસા આપી વધુ માંગ અંગે ફરિયાદ:ગાંધીધામ
ગાંધીધામ શહેરમાં આવેલ એક સ્પાના સંચાલક મહિલાને પાંચ ટકા વ્યાજે પૈસા આપી બાદમાં વધુ રકમની ઉઘરાણી કરી સ્પામાં જઇ ટીવીનું ડિસ્પ્લે તોડી નાખતાં શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.સૂત્રો પરથી મળતી માહિતી શહેરની ગ્રીન પેલેસ હોટેલની બાજુમાં આવેલા મોડર્ન સ્પાનું સંચાલન કરનાર એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલાને ફર્નિચરના રૂપિયા ભરવાના હોવાથી તેમની પાસે પૈસા ન હોવાથી 2025માં તેમણે યુવાન પાસેથી રૂા. 1,50,000 માસિક સાડા પાંચ ટકા વ્યાજે લીધા હતા અને સિક્યુરિટી પેટે બે કોરા સહી કરેલા ચેક આ શખ્સને આપ્યા હતા. ફરિયાદીએ ટુકડે-ટુકડે હજાર-બે હજાર કરીને એક વર્ષમાં વ્યાજ સહિત રૂા. 2 લાખ આ કચ્છ કર્મશીલ ન્યૂઝના પત્રકારને આપી દીધા હતા. છતાં આ શખ્સ વારંવાર સ્પામાં આવી ફરિયાદી પાસેથી વધુ પૈસાની માગણી કરતો હતો. ફરિયાદી મુંબઇ હતા ત્યારે તેમને ફોન કરી પૈસાની માંગ કરતાં ફરિયાદીએ વ્યાજ સહિત પૈસા આપી દીધાનું કહ્યું હતું. બાદમાં મહિલા અહીં આવ્યા હતા ત્યારે પણ ફોન કરી ધાકધમકી કરી હતી અને સ્પામાં જઇ સ્ટાફ સાથે બોલાચાલી કરી ગાળો આપી પેપરવેટ ઉપાડી ટીવીના ડિસ્પ્લેમાં મારી તોડી નાખ્યું હતું અને જતાં-જતાં તમારી મેડમ જ્યાં મળશે ત્યાં પતાવી દેવાની ધમકી આપી હતી. એ-ડિવિઝન પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.