જેતપુરની સગીરાને કેટરર્સ કામે બોલાવી ભુજની હોટેલમાં દુરાચરણ

સૌરાષ્ટ્રના જેતપુરની 14 વર્ષ આઠ માસની સગીરાને કેટરર્સ કામે બોલાવી કેરાના શખ્સે કારમાં બેસાડી ભુજની હોટેલમાં લઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ દાખલ થઈ છે.સૂત્રો પરથી મળતી માહિતી દરમ્યાન આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ અંગે ગઈકાલે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે જેતપુરથી હતભાગી સગીરાના પડોશી મહિલાએ નોંધવેલી ફરિયાદ મુજબ ભુજ તાલુકાના કેરામાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા આરોપીએ હતભાગી સગીરાને કેટરર્સના કામ માટે બોલાવી હતી. ગઈકાલે આરોપી સગીરાને બ્લૂ કલરની બલેનો કારમાં ભુજમાં એન્જિનીયરિંગ કોલેજ રોડ પર આવેલી શક્તિ હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે બળજબરીથી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો. આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે દુષ્કર્મ – પોક્સો એકટ તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઈ એમ.આર. નકુમે હાથ ધરી છે. આજે આરોપીની અટક કરી લેવાઈ હોવાનું તપાસકર્તા પીઆઈ શ્રી નકુમે જણાવ્યું હતું.