રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ભોરારા ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે સવારનો નાસ્તો કરીને સામાજિક સમરસતા અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સમાનતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને સાર્થક કરતા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભોરારા ગામની મુલાકાત લઈને અનુસૂચિત જાતિ પરિવારના શ્રી કાનજીભાઈ જેઠાભાઈ મહેશ્વરીના નિવાસસ્થાને સાદો નાસ્તો કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ ભોરારા ગામના અનુસૂચિત જાતિ પરિવારના શ્રી કાનજીભાઈ જેઠાભાઈ મહેશ્વરી અને તેમના પરિવારના સભ્યો સાથે સવારનો નાસ્તો કરીને કચ્છની મહેમાનગતિ અને આગતાસ્વાગતાને બિરદાવી હતી. રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યો સાથે તેમના રોજિંદા જીવન, શિક્ષણ અને આજીવિકાના સ્ત્રોતો આત્મીયતાથી ચર્ચા કરી હતી.
રાજ્યપાલશ્રીએ કાનજીભાઈને પરિવારના મોભી હોવાના નાતે અનુરોધ કર્યો હતો કે બાળકોમાં સતત સંસ્કારનું સિંચન કરીને તેમને જીવનમાં ઉચ્ચ શિક્ષણ અપાવજો. કોઈપણ સંજોગોમાં બાળકોનું શિક્ષણ ન છૂટે તેમ રાજ્યપાલશ્રીએ ખાસ સૂચન કર્યું હતું. આ ઉપરાંત, જીવનમાં કર્મ કરવા અને આર્થિક ઉપાર્જન માટે કોઈપણ કામને નાનું નહીં માનીને જીવન વ્યતિત કરવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
શ્રી કાનજીભાઈના પરિવાર દ્વારા ૪ જેટલી ગાયોનું પાલન થાય છે તે જાણીને રાજ્યપાલશ્રીએ અત્યંત આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ પરિવારજનોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના લાભ સમજાવ્યા હતા અને ફળફળાદી ઉગાડવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યપાલશ્રીએ શ્રી કાનજીભાઈના પરિવારને લોકભવન, ગાંધીનગર પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.
સવારના નાસ્તા દરમિયાન રાજ્યપાલશ્રીએ કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી છેલ્લા ૨૫ વર્ષમાં કચ્છ જિલ્લામાં થયેલા અભૂતપૂર્વ વિકાસની મનમૂકીને પ્રશંસા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી સહિત અધિકારીશ્રીઓએ રાજ્યપાલશ્રીને કચ્છના પશુધન, સેવાભાવી સંસ્થાઓ અને જિલ્લાની ભૌગોલિક, આર્થિક તેમજ સામાજિક સ્થિતિ અંગે અવગત કરાવ્યા હતા. કચ્છના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે બાબત પર રાજ્યપાલશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, મુન્દ્રા એસએસપીશ્રી ગૌતમ વિવેકાનંદન, ગામના સરપંચશ્રી, પ્રાંત અધિકારીશ્રી અભિષેક સિન્હા, મામલતદારશ્રી કલ્પનાબેન ગોન્દિયા, નાયબ નિયામકશ્રી(અનુસૂચિત જાતિ) વિનોદ રોહિત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વિવેક બારહટ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.