ગીરની જેમ હવે કચ્છમાં પણ થશે સિંહ-દીપડા દર્શન! લખપતમાં સફારી પાર્ક તૈયાર
ઘુણઈ પાસે 275 હેક્ટરમાં જીપ સફારીની સુવિધા વિકસાવાઈ, 13 દીપડા હાજર, હવે જંગલના રાજાની રાહ
કચ્છના પ્રવાસન માટે ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના ગીરની જેમ હવે કચ્છના લખપતમાં પણ પ્રવાસીઓ જંગલના રાજા સિંહ અને દીપડાના દર્શન કરી શકશે.
પશ્ચિમ વન વિભાગ દ્વારા ઘુણઈ પાસે 275 હેક્ટર જમીનમાં પ્રવાસીઓ માટે સફારી કરાવવા ફેન્સિંગ સહિતની તમામ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ વિસ્તારમાં હાલ 13 દીપડા હાજર છે અને સિંહને લાવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વન વિભાગના DFOના જણાવ્યા મુજબ, આ સફારી પાર્ક માટે હવે માત્ર ભારત સરકારની અંતિમ પરવાનગીની રાહ જોવાઈ રહી છે. પરવાનગી મળતા જ આ સફારી શરૂ કરી દેવામાં આવશે.
ગીરની જેમ જ જીપ્સી સફારી જેવી જ વ્યવસ્થા રહેશે.
100 હેક્ટરમાં વૃક્ષોનું વાવેતર કરીને કૃત્રિમ જંગલનો વિસ્તાર વધારવામાં આવ્યો છે
પ્રવાસીઓને સુરક્ષિત રીતે વન્યજીવોના દર્શન કરાવવા માટે ખાસ ફેન્સિંગ કરાયું છે.
આ પ્રોજેક્ટ શરૂ થતા કચ્છના પ્રવાસનને નવી ઉડાન મળશે અને સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો પણ ઉભી થશે.