મેઘપર (કું.)માં બંધ મકાનનાં તાળાં તોડી 62 હજારની ચોરી
copy image
મેઘપર (કું.) વિસ્તારમાં આવેલી આદિત્યનગર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને હાથ સાફ કર્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ઘરના મુખ્ય દરવાજા અને લોખંડની તિજોરી તોડીને અજાણ્યા ઇસમો રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂા. 62,100ની મુદામલની ચોરી કરીને નાશી ગયા હતા. મેઘપરના આદિત્યનગર ખાતે રહેતા અને આદિપુર શીતલા માતાજીનાં મંદિર પાસે આવેલા મહાદેવ પેટ્રોલ પંપ પર નોકરી કરતા કમલભાઈ નરશીભાઈ ચારણ ગત તારીખ 3 ઓક્ટોબર 2026ના રાત્રે પોતાના પરિવાર સાથે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને છત પર સૂવા ગયા હતા. દરમિયાન, તારીખ 4 ઓક્ટોબર 2026ની વહેલી સવારે તેઓ નીચે આવ્યા, ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ઘરની તિજોરીની તપાસ કરતાં તેમાં રહેલા રૂા. 20,000 રોકડા તેમજ સોનાનો ઓમ, નાકનો દાણો, ચાંદીનું મંગળસૂત્ર અને ચાંદીના ઝાંઝર મળી કુલ રૂા. 62,100ના કિંમતી દાગીના ચોરાયા હોવાનું માલૂમ પડયું હતું. આ મામલે ભોગ બનનાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.