નખત્રાણા તાલુકાના નિરોણામાં કરૂણ દુર્ઘટના, વીજ તાર તૂટી પડતા માલધારીની 5 ભેંસોના એક સાથે મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું
નિરોણા ગામના સીમ વિસ્તારમાં આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે. PGVCLની વીજલાઇનનો જીવતો વીજતાર તૂટીને નીચે પડતાં એક જ માલધારીની પાંચ ભેંસોનું વીજશોક લાગવાથી મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નિરોણાના માલધારી મુગલ ઇબ્રાહીમ હાસમની ભેંસો સીમમાં ચરતી હતી ત્યારે અચાનક ઉપરથી પસાર થતી PGVCLની લાઈનનો તાર તૂટીને નીચે પડ્યો હતો. જીવતા તારના સંપર્કમાં આવતા પાંચેય ભેંસોએ ત્યાં જ દમ તોડી દીધો હતો. એક સાથે પાંચ પશુઓના મોતથી માલધારી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
એક ગરીબ પશુપાલક માટે તેની ભેંસો જ તેની મૂડી હોય છે. એક સાથે પાંચ ભેંસો ગુમાવતા પરિવારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
આ ઘટનાની જાણ થતા જ નિરોણા ગામના સરપંચ નરોત્તમ આહીર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર ઘટના અંગે તંત્રને જાણ કરી હતી. સરપંચ દ્વારા PGVCL તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને નુકસાન સહન કરનાર માલધારીને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.