ગુજરાતીઓ માટે ખુશખબર, સોલાર પેનલ લગાવવી થઈ પાણીના ભાવે સસ્તી, સામાન્ય પરિવારે માત્ર રૂ. 5400 ભરો અને વીજળી મફત વાપરો, સરકાર આપશે 1000 કરોડની રાહત!

ગુજરાત સરકારે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોટી ભેટ જાહેર કરી છે. હવે ઘરે સોલાર પેનલ લગાવવી એકદમ સસ્તી થઈ ગઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સૂર્ય ઘર યોજના અંતર્ગત રાજ્ય સરકારે વધારાની સબસિડી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ યોજના પાછળ સરકાર અંદાજે રૂ. 1000 કરોડનો ખર્ચ ભોગવશે.

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકારની સહાય અને લાભાર્થીના ફાળા બાદનો બાકીનો તમામ ખર્ચ હવે રાજ્ય સરકાર સબસિડી તરીકે આપશે.

નવી જોગવાઈ મુજબ સામાન્ય વર્ગના પરિવારે સોલાર સિસ્ટમના કુલ ખર્ચના માત્ર 10% અને SC/ST વર્ગના પરિવારે માત્ર 5% રકમ જ ચૂકવવાની રહેશે.

જો આંકડામાં સમજીએ તો 1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે સામાન્ય વર્ગે માત્ર રૂ. 5,400 અને SC/ST વર્ગે માત્ર રૂ. 2,700 ચૂકવવાના રહેશે.
જ્યારે 2 કિલોવોટની સિસ્ટમ માટે સામાન્ય વર્ગે માત્ર રૂ. 10,720 અને SC/ST વર્ગે માત્ર રૂ. 5,360 ચૂકવવાના રહેશે.

આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને સીધો આર્થિક લાભ મળશે અને વીજળી બિલમાંથી કાયમી છુટકારો મળશે.

ઉલ્લેખનીય છે કે સોલાર રૂફટોપ સ્થાપન ક્ષેત્રે 8.5 લાખથી વધુ ઘરો સાથે ગુજરાત આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.