નખત્રાણાના નેત્રા પંથક માટે મોટી ખુશખબર, ટોડીયા ફાટકે હવે લાંબા રૂટની એસ.ટી. બસો ઉભી રહેશે, વર્ષો જૂની માંગણી પર લાગ્યો મહોર!
નખત્રાણા તાલુકાના નેત્રા વિસ્તારના લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ટોડીયા ફાટક પર લાંબા અંતરની એસ.ટી. બસોના સ્ટોપની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ છે.
છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારના લોકો અને મુસાફરો અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આવતી-જતી એસ.ટી. બસોને ટોડીયા ફાટક પર ઉભી રાખવા માટે અનેક વખત રજૂઆત કરી રહ્યા હતા.
આખરે એસ.ટી. નિગમે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લીધો છે. નિગમ દ્વારા હવે લાંબા અંતરની એક્સપ્રેસ અને લોકલ બંને પ્રકારની બસોને ટોડીયા ફાટક સ્ટોપ પર ઉભી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની વિધિવત જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
એસ.ટી. નિગમના આ નિર્ણયથી ટોડીયા ફાટક સહિત આજુબાજુના ગામો અને સમગ્ર નેત્રા વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. હવે મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે ભુજ કે નખત્રાણા સુધી ધક્કો ખાવો નહીં પડે.