માંડવી સલાયાના જહાજમાં સંયુક્ત અરબ અમીરાતના શારજહા અલ ખાન પોર્ટ પર આગ લાગી હતી. આગ પર રેસ્ક્યૂ ટીમે કાબૂ મેળવી લીધો છે અને તમામ ક્રૂ મેમ્બર દરીયામાં કૂદી જતા તમામને બચાવી લેવાયા છે. શારજહાથી યમન કાર ભરીને જતા સમયે અલ મજીદ જહાજમાં ધડાકાભડાકા સાથે આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે 10 વાગ્યે જહાજમાં આગનો બનાવ બન્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ રેસ્ક્યૂ ટીમ તેને કૂલિંગ કરવાની કામગીરી કરી રહી છે. કોઈ જાનહાનિ નહી 700 ટન કારનો કાર્ગો ભરીને સલાયાના અબ્દુલ મજીદ કાસમ અલ મજીદ જહાજમાં યમન જવાની તૈયારીમાં હતો ત્યારે શોર્ટસર્કિટ થવાથી જહાજમાં આગ લાગી હતી. માંડવી કચ્છી વહાણવટા એસોશિએસનના પ્રમુખ કે જણાવ્યું હતું કે, જહાજમાંથી ક્રૂમેમ્બરોએ કૂદીને જીવ બચાવી લીધા હતા. કોઈ જાનહાનિ થઈ ન હતી. બે મહિનાથી જહાજ જેટી પર હતું અલ મજીદ જહાજમાં કાર ભરીને છેલ્લા બે મહિનાથી શારજહા બંદર પર જેટી પર રહ્યો હતો. ભાડાના પૈસા મૂળ પાર્ટીએ આપ્યાન નહતા જેથી જહાજ યમન હંકારાતું ન હતું. જોકે, ભાડાના નાણા અપાતા જહાજને યમન તરફ હંકારાયું હતું પરંતુ આગને પગલે જહાજ માલિકને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. માંડવી સલાયાના જહાજ ઉદ્યોગ પર પડ્યા પર પાટુ પડ્યો હોય તેવા ઘાટ જહાજમાં આગ લાગતા સર્જાયો છે. શારજહા સિવિલ ડિફેન્સે જહાજ આગની ઘટનાને સ્વીકારી શારજહા સિવિલ ડિફેન્સના કર્નલ સમી ખમીસ અલ નકવીએ ગલ્ફ મીડિયાને જણાવ્યું હતું કે, જહાજમાં કાર લાવવામાં આવી રહી હતી. તમામને આગે અસર કરી છે. રાત્રે 10 વાગ્યે પોલીસ ઓપરેશન રૂમને આગનો કોલ આવ્યો હતો. ત્યારબાદ ફાયરફાયટરને ઘટનાસ્થળે મોકલાયા હતા. ક્રૂમેમ્બરને શારજહા પોલીસે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કોઈને ઈજા નથી થઈ અને કૂલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે.