બંદરીય માંડવી શહેરની 35 આંગણવાડીઓ ધીરે ધીરે ખુદના મકાનમાં ચાલતી થાય તે માટે ગુજરાતના નાણા વિભાગ દ્વારા પાંચ વર્ષે પ્રથમ તબક્કે 8 મકાન બાંધવા 32 લાખ ફાળવાયા હતા પણ અડઘડ વહિવટના પરિણામે આ ગ્રાન્ટ લેપ્સ થતાં દર મહિને લાખો રૂપિયા ભાડા પેટે ખર્ચ થઇ રહ્યા છે. નાણા વિભાગે નગરપાલિકાને 2014ની સાલમાં 32 લાખની ગ્રાન્ટ ફાળવ્યા પછી ટેન્ડર પ્રક્રિય હાથ ધરાઇ, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયા, વાજતે ગાજતે ભૂમિપૂજન કર્યા બાદ પાયા પણ ખોદવામાં આવ્યા, કામનો પ્રારંભ સુધ્ધા થયો પરંતુ 8માંથી 1 પણ આંગણવાડીનું અસ્તિત્વ નથી. આ આઠ સહિત 35 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે અને તેના ભાડા પેટે અત્યાર સુધી 21 લાખની રકમ ખર્ચાઇ ચુકી છે.સરકાર હસ્તકના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા 3થી 6 વર્ષ સુધીના બાળકોને કેળવણી અને સંસ્કાર સાથે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આંગણવાડીઓ ચલાવાઇ રહી છે. ગતિશીલ ગુજરાતમાં સ્થાનિક તંત્રના અણઘડ વહિવટના નમુનારૂપ કિસ્સા વિશે પ્રાપ્ત માહિતી પ્રમાણે પાંચ વર્ષ પૂર્વે આંગણવાડીનું કામ ચાલુ થતાં આજુબાજુના લોકોને વાંધો પડ્યો હતો. પાલિકા સિટી સર્વેની મદદથી જમીન સંપાદિત કરવામાં ઉણી ઉતરતાં કોકડું ગુંચવાયું હતો. સત્તાધીશો આ ગુંચ ઉકેલવામાં નિષ્ફળ જતાં આખરે 32 લાખની ગ્રાન્ટ પરત કરવાની ફરજ પડી હતી.ગ્રામ પંચાયતોને આંગણવાડી માટે સમસ્યા નથી, પણ પાલિકા વિસ્તારમાં ચાલતી આંગણવાડી બનાવવામાં અનેક નડતર-ઉપાધીઓ આવે છે. અલબત્ત માંડવીની વાત કરીએ તો શહેરમાં 152 સાર્વજનિક પ્લોટ હયાત છે, તેમાં ઓરડાઓનું બાંધકામ કરી આંગણવાડી ચલાવી શકાય. પાલિકાના સેવાભાવી નગરસેવકો જો સાચો ભાવ દર્શાવે તો તમામ 35 આંગણવાડી ખુદના મકાનમાં ચાલી શકે અને દર મહિને તોતીંગ ભાડાની રકમ બચી શકે.શહેરના લગભગ 1800 ભુલકા 35 આંગણવાડીમાં કેળવાઇ રહ્યાં. પ્રત્યેક આંગણવાડીના દર માસના રૂા. 1 હજાર ભાડા લેખે 35 આંગણવાડીના છેલ્લા પાંચ વર્ષના ભાડા પેટે સંકલીત બાળ વિકાસ યોજના દ્વારા 21 લાખ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા છે અને હજુયે ખર્ચાતા રહશેશે. જો 8 આંગણવાડી બંધાી જાત તો દર માસે રૂા. 96000 બચી જાત !