કુનરીયા ગામના ભુરાભાઈને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલયના બાંધકામ માટે મળી આર્થિક સહાય

કચ્છમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થી બનીને ગરીબ મધ્યમવર્ગીય નાગરિકો વિકાસયાત્રામાં સહભાગી બની રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “હર ઘર શૌચાલય”ની યોજનાના ભુજ તાલુકાના કુનરીયા ગામના લાભાર્થી ભુરાભાઈ કેરાસીયાના જીવનમાં આ યોજનાના કારણે અનેક હકારાત્મક પરિવર્તનો આવ્યા છે.

વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતાની ઝુંબેશ ચલાવી સાથે જ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હર ઘર શૌચાલય પહેલ શરૂ કરી હતી. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા સાથે ઘરમાં શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. “હર ઘર શૌચાલય” ની પહેલ અંતર્ગત આર્થિક સહાય મળતા જ ગરીબ મધ્યમવર્ગના લોકો પ્રાથમિક સુખસુવિધા મેળવી રહ્યા છે. કચ્છના કુનરીયા ગામના લાભાર્થી ભુરાભાઈ કેરાસીયાએ જણાવ્યું હતું કે, આ યોજના થકી મળતી સહાયના કારણે જે લોકો શૌચાલય બનાવવા સક્ષમ ન હતાં તેઓને ઘરમાં જ શૌચાલયની સુવિધા પ્રાપ્ત થઈ છે. ખુલ્લામાં શૌચ બંધ થતા આરોગ્યમાં પણ સુધારો થયો છે.

આ યોજના વિશે વિગતવાર વાત કરતા ભુરાભાઈએ ઉમેર્યું હતું કે, મને મારા ગામના આગેવાન પાસેથી આ યોજના વિશે જાણકારી મળી હતી. આ યોજનામાં શૌચાલયની સહાયમાં સૌ પ્રથમ નાગરિકોએ ગ્રામપંચાયતમાં જઈ અરજી કરવાની હોય છે. ત્યારબાદ અરજી મંજૂર થયા બાદ સીધા પૈસા આપણા બેન્ક ખાતામાં જમા થાય છે. તે બાદ શૌચાલય બાંધકામની કામગીરી શરૂ કરી શકાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રૂ.૧૨૦૦૦ની સહાય મળવાપાત્ર છે. આ સહાય દ્વારા આજે હું મારા ઘરમાં પાકું શૌચાલય બનાવી શક્યો છું.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની અનેકવિધ વિકાસની યોજના બદલ ગરીબ મધ્યમવર્ગની પ્રાથમિક જરૂરિયાતો પુરી થતા મારા જેવા અનેક મધ્યમવર્ગના લોકો વિકાસ કરી રહ્યા છે. તેમજ શૌચાલય બનાવવાની આર્થિક સહાય બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.