લેડી ડોન સોનુ ડાંગરને પાસા હેઠળ પાલારા જેલ હવાલે કરાઈ, અમરેલી SP-PSIને ધમકી આપી હતી

અમરેલીના એસપી અને પીએસઆઈને ધમકી આપનારી લેડી ડોન સોનુ ડાંગરની 60 કલાકમાં જ ઉદયપુરની હોટલમાંથી 21 ડિસેમ્બરે ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને જેલહવાલે કરાઈ હતી. હવે તેની સામે આકરી કાર્યવાહી કરીને તેને પાસા અંતર્ગત કચ્છ ભુજમાં આવેલી સ્પેશિયલ પાલારા ખાતે મોકલી દેવાઈ છે.સોનુ ડાંગર સામે રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં 20 ગુના નોંધાયા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં ત્રણ સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા મુન્ના રબારીની અમરેલી પોલીસે હથિયાર ધારાના કેસમાં ધરપકડ કરતાં સોનુ ડાંગરે એસપી અને પીએસઆઈને ધમકી આપી હતી. આ અંગેનો વીડિયો વાઈરલ થતાં જ અમરેલીના એસપીએ તેની સામે ગુનો નોંધવા સૂચના આપી હતી.સોનુ ડાંગર રાજસ્થાનમાં હોવાની બાતમી મળતા જ બે ટુકડીઓ ત્યાં રવાના કરાઇ હતી. આ ટુકડીએ સોનુનું સતત લોકેશન મેળવી તેનો પીછો કર્યો હતો અને આખરે રાજસ્થાનની એક હોટલમાંથી તેને ઝડપી લેવાઇ હતી. સોનુની અટકાયત કરીને પોલીસ તેને અમરેલી લઇ ગઈ હતી અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઇ હતી. જો કે અહીં પણ તેણે એક સમયે આમનો સામનો થશે તેવી ધમકી આપી હતી તે મહિલા પીએસઆઇ ડોડીયાનો આમનો સામનો થયો હતો.અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે સોનુ ડાંગર ઉદયપુરની હોટલમાં હોવાની બાતમી મળતા પોલીસ ટુકડીએ સૌપ્રથમ રજિસ્ટર ચેક કરી તે કયા રૂમમાં છે તે નક્કી કર્યુ હતુ. બાદમાં વેઇટરને સાથે રાખી દરવાજો ખટખટાવાયો હતો. રૂમ સર્વિસના નામે વેઇટરે દરવાજો ખટખટાવતા જ સોનુએ દરવાજો ખોલ્યો હતો અને તે સાથે જ પોલીસ ટુકડીએ તેને ઝડપી લીધી હતીઅમદાવાદ દારૂ પાર્ટી કેસમાં છૂટ્યા બાદ તે રાજસ્થાન ચાલી ગઇ હતી અને ત્યાં થોડા થોડા સમયે હોટલ બદલતી હતી. જોકે હોટલનું ઓનલાઇન ચૂકવણું થતું હોય પોલીસને તેનું લોકેશન મળતું રહેતું હતું અને તક મળતા જ ઝડપી લેવાઇ હતી.