નિલપરમાંથી ભોંયરામાં છુપાવેલો રૂપિયા 11 લાખનો દારૂ ઝડપાયો

મુન્દ્રાના કાંડાગરા ગામે એકબીજા ઉપર દારૂની છોળો ઉડાડીને ‘રાસ’ રમવાના બનાવે રાજ્યભરમાં ચકચાર સર્જી છે. તેની વચ્ચે પૂર્વ કચ્છ પોલીસે કુખ્યાત બુટલેગર એવા રમેશ કુંભા કોળીને ત્યાં દરોડો પાડીને લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાપરના નિલપર ગામે રમેશની વાડી ઉપર પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. ૧૧ લાખ રૂપિયાના અંગ્રેજી દારૂની ૨૧૧ પેટીઓ વાડીની અંદર ખાસ ભોંયરામાં છુપાવાયેલ હતી. દારૂનો આ જથ્થો પોલીસ ઉપર હુમલો કરનારા રમેશ કોળી ઉપરાંત પુના અને રામા ભરવાડ, મેંદીયો ઉર્ફે મહેન્દ્ર અકીલા કોળી જેવા ચાર કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું ખુલતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. રાપર પીઆઇ આર.એમ. વસાવાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રમેશ કુંભા કોળી અને તેના પરિવારે થોડા સમય પહેલા જ તેને ત્યાં દારૂનો દરોડો પાડનાર પોલીસ ટીમ ઉપર હુમલો કર્યો હતો. આ ઉપરાંત રમેશ ઉપર ખનિજ ચોરી, લૂંટ, ધાડ તેમ જ મહિલાની હત્યાનો ગુના સહિતના આરોપ છે.