રાપર તાલુકાના સઇ અને પીંછાણા વચ્ચે રાત્રે જીવલેણ હુમલો કરી 52 હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ફરાર આરોપીઓને પકડવા કવાયદ હાથ ધરી છે.બનાવની મળતી માહિતી મુજબ, સાય ગામના વતની નારણ ભૂરાના આધેડ અલ્ટો કાર લઇને જઇ રહ્યાં હતા. એ સમયે સઇ-પીંછાણા રોડ પર બાઈક સવાર બે બુકાનીધારીઓએ કારને આંતરી હતી અને કાર પર હુમલો કરી કાર અટકાવી હતી. આધેડ કંઇ સમજે એ પહેલા જ બન્ને બુકાનીધારી તેમના પર ધોકા વડે તૂટી પડ્યા હતા. ગંભીર ઇજાઓ થતાં આધેડ ત્યાં જ ઢળી પડ્યા હતા. બુકાનીધારી 2 હજારની 26 નોટો, ડોક્યુમેન્ટ સહિત કુલ 52 હજાર રોકડા, પાકિટ તથા અલ્ટોની ચાવી લઇને ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે આધેડે પોતાના પરિવારજનોને જાણ કરતા તેમના સંબંધી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.