વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, અમદાવાદમાં વૃદ્ધાનું મોત, ગુજરાતમાં કુલ 40 પોઝિટિવ કેસ

વડોદરામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ વ્યક્તિ યુકેથી આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ હતો.જ્યારે કોરોનાને કારણે 85 વર્ષના વૃદ્ધાનું અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મૃતક અમદાવાદની જ મહિલા છે અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. સુરત બાદ ગુજરાતમાં કોરોનાને કારણે આ બીજું મોત થયું છે.ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે વધુ 4 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત(સુરત) થઈ ચૂક્યું છે. જ્યારે બીજુ મોત અમદાવાદમાં થયું છે. સાંજે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ 4 દર્દી થયા છે. ત્યારે આજે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને જાણકારી આપી છે કે, ‘આજે 131 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી રાજકોટનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માસ્ક અને દવાઓ પૂરતા પ્રમાણ છે તેવી જાણકારી પણ આપી છે. જ્યારે હજુ દવાઓ ખરીદવાની પ્રકિયા શરૂ કરવાની આવી છે. આ સિવાય હાલ 110 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 21 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.’ જ્યાં જ્યાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવા જિલ્લાઓમાં સરકાર કડક લોકડાઉનનો અમલ કરાવે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાત પેટ્રોલ એસોસિશને એક મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે.દેશમાં કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખતા કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયે આગામી 14 એપ્રિલ સુધી ભારતભરમાં ટોલ કલેક્શન સ્થગિત કરવાની મંજૂરી આપી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ વહિવટી તથા જ્યુડિશિયલ કામકાજ આગામી હુકમ સુધી બંધ રહેશે. અતિ મહત્વનો કેસ હશે તો એ વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે. હાઇકોર્ટના તાબામાં આવતી રાજ્યની તમામ અદાલતો ગુરૂવારથી સંપૂર્ણપણે બંધ રહેશે.આજે સવારે સામે આવેલા ત્રણ પોઝિટિવ કેસમાંથી એક અમદાવાદમાં જે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક- એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે. જ્યારે 15 હજાર 468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. તેમજ હાલ 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે. જ્યારે ક્વોરેન્ટાઈનના ભંગ બદલ 236 સામે ગુના નોંધવામાં આવ્યા છે.કોરોનાની સ્થિતિ અંગે સવારે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 4 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સાજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા હવે શહેરમાં કોરોનાના 4 દર્દી થયા છે.ડૉ. રવિએ આગળ કહ્યું રાજ્યમાં 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે જેમાં 430 વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં, 20,220 હોમ કોરેન્ટાઈન અને 38 ખાનગી કોરેન્ટાઈન હેઠળ છે. રાજ્યમાં 104 હેલ્પલાઇન પણ કાર્યરત છે જેમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે. જેમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે પૈકી 258 વ્યક્તિઓને સારવાર પુરી પડાઇ છે.ડૉ. રવિએ ઉમેર્યું હતું કે રાજ્યના 4 મહાનગરોમાં કોરોના વાઈરસ વાળા દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. જેમાં અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, વડોદરા અને રાજકોટમાં 250-250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રાજ્યમાં 1583 આઇસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં અને 635 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અને વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ગંભીર દર્દીઓને સારવાર માટે તમામ વિભાગોમાં થઈને સરકારી હોસ્પિટલ ખાતે 609 વેન્ટિલેટર અને ખાનગી સંસ્થાઓમાં અંદાજે 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.તેમણે ઉમેર્યું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિદ-19 અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના રોગનો ફેલાવો અટકે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે ત્યારે નાગરિકો પણ તેની ખાસ તકેદારી રાખે એ માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ પણ કરાઈ છે.રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 1.07 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 15, 468 વ્યક્તિ વિદેશથી આવેલા છે. આમાંથી 50 લોકોને રોગના ચિન્હ જણાતા સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. 104 હેલ્પલાઇન નંબર પર દિવસના 20,000 કોલ મળ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 258 લોકોને સારવાર આપવામાં આવી છે. અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500, વડોદરામાં અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.જ્યારે સાબરકાંઠાના ઇડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના ધારાધોરણ મુજબ આઇસોલેટેડ ન થતાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇડર પોલીસે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.