લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે ખગોળ રસિકોએ શુક્ર કૃતિકાની યુતિનો નઝારો માણ્યો

હાલે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ આકાશમાં ખુબજ પ્રકાશિત શુક્ર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આટલો ચમકતો પદાર્થ કયો છે? તેવા ટેલિફોનિક પ્રશ્નો પણ સ્ટારગેઝિંગ ઇન્ડિયાને મળ્યા કરે છે તે દરમિયાન ૩ એપ્રિલના રોજ શુક્ર કૃતિકા નક્ષત્રની એકદમ નજીક આવતાં રમણીય દ્રશ્ય સર્જાયું હતું. કૃતિકાને અંગ્રેજીમાં સેવન સિસ્ટર્સ (સાત બહેનો) અને ખગોળની ભાષામાં પ્લીઅડીસ અથવા એમ-૪૫ ના નામથી ઓળખવામાં આવે છે. આમતો શુક્ર દર વરસે કૃતિકા પાસેથી પસાર થાય છે પરંતુ લગભગ આઠ વર્ષ બાદ તે કૃતિકાના તારક ઝૂમખાં ઉપરથી પસાર થયો હતો જેનો નઝારો કચ્છ ગુજરાતના ખગોળ રસિકોએ મન ભરીને માણ્યો હતો. સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે આ અલભ્ય ખગોળીય ઘટના વિશે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે લોક ડાઉનની પરિસ્થિતિમાં લોકો ભલે બહાર ક્યાંય જઈ શકતા ન હોય પરંતુ પોતાના ઘરની અગાશી કે બાલકનીમાંથી તારા અને ગ્રહોની સંગાથે અવકાશી સફરનો આનંદ જરૂર લઈ શકે છે.વૃષભ રાશિમાં આવેલું કૃતિકા તારક ઝુંડમાં સાત થી આઠ તારાઓ નરી આંખે જોઈ શકાય છે જ્યારે સામાન્ય દુરબીનથી ૩૦ જેટલા તારાઓ ખૂબ નજીક નજીક જોઈ શકાય છે. ૩ એપ્રિલના તારક ઝુંડમાંથી શુક્ર પસાર થયો ત્યારે ગાયોના ઘણ વચ્ચેથી ગોવાળિયો પસાર થતો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું! ૪૦૦ પ્રકાશ વર્ષ દૂર આવેલું કૃતિકા નક્ષત્ર પૃથ્વીની સૌથી નજીકનું ક્લસ્ટર છે. હવે ધીમે ધીમે તે કૃતિકાથી દૂર થઈ રહ્યો છે છતાં દૂરબીન કે નાના ટેલિસ્કોપથી આ નઝારો હજી થોડા દિવસ જોવા મળશે હવે પછી આવી ઘટના ઈ.સ. ૨૦૨૮મા જોવા મળશે.આ ઘટનાને સોશિઅલ મીડિયા દ્વારા માહિતીનું પ્રસારણ તથા ફોટોગ્રાફીની કામગીરી નિશાંત ગોર દ્વારા કરવામાં આવી હતી