માધાપરમાં ૩ પોઝિટિવ કેસ બાદ લોકોને કાબુમાં લેવા આખરે સ્વયંસેવકો મુકાયા

માધાપરમાં પોઝીટી કેસની સંખ્યા વધીને ૩ થઈ ગઈ છે. એક જ પરીવારના ૩ જણનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે ત્યારે આ બાબત વધુ ગંભીર બની છે. છેલ્લા ૪ દિવસથી ગામમાં જાહેરનામાના પાલન મુદે ગંભીરતા દાખવાતી ન હોવાની ઉઠેલી ફરીયાદો બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ ખરીદી કરવા આવતા લોકોને કાબુમાં રાખવા સ્વયંસેવકોની ટીમો તૈનાત કરાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ ક્રિષ્નાપાર્કમાં રહેતા વૃધ્ધ કોરોનાગ્રસ્ત બન્યા બાદ ગઈકાલે તેમના પત્નિ અને પુત્રવધુનો પણ પોઝીટીવ રીપોર્ટ નોંધાતા તંત્ર દોડતું થયું હતું. માધાપરમાં પ્રથમ કેસ નોધાયા બાદ પ્રતિબંધિત વિસ્તાર જાહેરકરાયા બાદ બફરઝોનમાં ખરીદી માટે ૯ થી ૧૨નો સમય જાહેર કરાયો હતો. જોકે, કાછીયા તથા દુકાનદારો સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરાવવા બેદરકારી દાખવી રહ્યા હતા તેમજ લોકો પણ ભીડ કરીને ખરીદી કરી રહ્યા હતા. આ મુદે તંત્ર સુધી ફરીયાદો પહોંચતા સ્થાનિક પંચાયતોને જાગવાની નોબત આવી હતી. અત્યારસુધી જાહેરનામાનો ભંગ કરીને દુકાનબહાર કુંડાળા ન કરનારા દુકાનદારો પાસે શુક્રવારે ફરજિયાત રાઉન્ડ દોરાવાયા હતા. તેમજ લોકોને સામાજિક અંતર જાળવી ખરીદી કરે તે માટે નવાવાસ પંચાયતે ૨૦થી વધુ સ્વયંસેવકોની ટીમ વિવિધ વિસ્તારની દુકાનો બહાર તૈનાત કરી હતી. જેના કારણે છેલ્લા બે દિવસથી ઉમટતી ભીડને કંટ્રોલ કરી શકાઈ હતી. ૧૯મી સુધી માધાપરમાં આ જ રીતે તો મોનીટરીંગ કરાયું તો આવનારા સમયમાં ઉભી થનારી સ્થિતિને નાથી શકાશે.