કચ્છમાં કોરોનાના દર્દીઓ માટે કોવિડ ૧૯ હોસ્પિટલ કાર્યરત

રાજય સરકાર દ્વારા જિલ્લા સ્તરે કોરોના દર્દીઓની સારવાર માટે ૩૧ ખાનગી હોસ્પિટલને કોવિડ ૧૯ હોસ્પિટલ બનાવવાના કરાયેલા આયોજન તળે આદિપુર મધ્યે હરિઓમ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. આ અંગે પત્રકારોને માહિતી આપતા ડીડીઓ પ્રભવ જોશીએ દાવો કર્યો હતો કે રાજયની સૌ પથમ કોવીડ ૧૯ હોસ્પિટલ કચ્છમાં તૈયાર થઈ છે. કચ્છના કલેકટર પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ હરિઓમ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી અને ખાલી ઇમારતમાં કોવિડ ૧૯ હોસ્પિટલની સુવિધા વિકસાવવા સૂચન કર્યું હતું. જે અંતર્ગત હરિઓમ ટ્રસ્ટે પહેલ કરી આ હોસ્પિટલમાં તબીબી સુવિધાઓ વધારી, જરૂરી સાધનો વસાવ્યા તેમ જ અમુક સાધનો માટે જિલ્લા વહીવટીતંત્રએ પણ સહયોગ આપ્યો હતો. આ રીતે હરિઓમ કોવિડ ૧૯ હોસ્પિટલ કાર્યરત થઈને દર્દીઓની સારવાર માટે સજ્જ છે. ગઈકાલે રાજયમંત્રી વાસણભાઈ આહીર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેકટર પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, અંજારના ડે.કલે. ડો. વી.કે. જોશીએ હરિઓમ કોવિડ ૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આપેલી માહિતી અનુસાર આ કોવિડ ૧૯ હોસ્પિટલમાં ૫૫ બેડ, સેન્ટ્રલાઈઝડ ઓકિસજન સુવિધા, ૭ વેન્ટિલેટર, એકસ-રે, દર્દીઓ માટે બેડ દીઠ એક બીપી મશીન એમ ૫૫ બીપી મશીનની, હોસ્પિટલમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે અલગ દરવાજાની સુવિધા છે. આ હોસ્પિટલમાં હરિઓમ ટ્રસ્ટના તબીબો, નર્સિંગ સ્ટાફ, સરકારી તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપરાંત આદિપુર ગાંધીધામના આઈએમએ ના ખાનગી તબીબો પોતાની માનદ સેવાઓ આપશે. ગઈકાલે કલેકટર પ્રવીણા ડીકે એ ગાંધીધામના ખાનગી તબીબો સાથે બેઠક યોજીને તેમને સેવાઓ આપવા અપીલ કરી હતી. જેનો તબીબોએ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો. હવે ફ્લુ ના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર અહીં કરાશે. દરમ્યાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર અને ગાંધીધામના તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા અહીંની સારવાર અને યોગ્ય તબીબી સુવિધાઓનું મોનીટરીંગ કરી રહ્યા છે.