લોકડાઉને સામાન્ય વર્ગની હાલત કફોડી કરી મૂકી છે. ખાધખોરાકીની ચિંતાને કારણે ઘણી જગ્યાએ લોકોની ધીરજ ખૂટી રહી છે. ગઈકાલે ભચાઉ મધ્યર પણ પચાસ જેટલા પરપ્રાંતીય કામદારો વતનમાં ઘેર જવાની જિદ્ સાથે મુખ્ય હાઇવે ઉપર આવી ગયા હતા. ચીરઈ ગામે આવેલ પ્લાસ્ટીન ઇન્ડિયા કંપનીમાં કામ કરતા આ કામદારોએ પહેલા ફેકટરીમાં ડખ્ખો કર્યા બાદ રસ્તા ઉપર આવી જતાં કંપનીના માલિકોએ પોલીસને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખી પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ જાતે જ ગાંધીધામથી ચીરઈ ભચાઉ હાઇવે ઉપર દોડી ગયા હતા. ૫૦ જેટલા ઉશ્કેરાયેલા અકીલા કામદારોને સમજાવટ દરમ્યાન ખ્યાલ આવ્યો હતો કે તેમને કામ કર્યું હતું તે ૧૮ દિવસની જ રોજગારી મળી છે, પણ હવે આગળ તેમની અને પરિવારની ખાધાખોરાકીનું શું થશે? ભૂખમરાની ચિંતાએ તેમણે વતનમાં જવાની હઠ પકડી હતી. જોકે, ડીએસપી પરીક્ષિતા રાઠોડે આ કામદારો સાથે અને ફેકટરી માલિકો વચ્ચે બેઠક કરી તેમની ચિંતા દૂર કરાવી કુનેહપૂર્વક મામલો થાળે પાડ્યો હતો. ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી હાઇવે ઉપર કચ્છમાં અનેક ફેકટરીઓ આવેલી છે અને તેમાં હજારો પરપ્રાંતીય કામદારો કામ કરે છે. એ જોતાં ડીએસપી પરીક્ષિતા રાઠોડે કુનેહપૂર્વક સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો. જોકે, કચ્છમાં બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ સતત પરપ્રાંતીય કામદારોને મુશ્કેલી ન પડે તે માટે સધિયારો આપીને મદદરૂપ બનવાના પૂરતા પ્રયાસો કરે છે.